IPL 2026નો ઓરેન્જ કેપ વિજેતા વૈભવ સૂર્યવંશી શ્રીલંકા સામે નિષ્ફળ ગયો, માત્ર આટલા રનમાં પવેલિયન પરત ફર્યો

વૈભવ સૂર્યવંશી શ્રીલંકા-A સામેની ODI મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. આજે એટલે કે 9 જૂને ઈન્ડિયા-A અને શ્રીલંકા-A (IND-A vs SL-A) વચ્ચે ટ્રાય સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ જ્યારે પ્રથમ બેટિંગ કરવા આવી ત્યારે વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. પરંતુ વૈભવ માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો.
ઓરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં ફ્લોપ
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. વૈભવે શાનદાર શરૂઆત કરી, પરંતુ શ્રીલંકન બોલર મોહમ્મદ સિરાઝે વૈભવને 14 રનના સ્કોર પર આઉટ કરી દીધો. આ નાની ઈનિંગમાં વૈભવે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા IPL 2026માં વૈભવ ઓરેન્જ કેપ જીતીને આવી રહ્યો છે, પરંતુ શ્રીલંકામાં તે ફ્લોપ રહ્યો છે.
વૈભવ માટે આ ટ્રાય સિરીઝ તૈયારીની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ
વૈભવ માટે આ ટ્રાય સિરીઝ તૈયારીની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આયર્લૅન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ ઉપરાંત એશિયન ગેમ્સ માટે પણ તેની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. પ્રથમ પ્રયાસમાં વૈભવ ફેલ ગયો છે, પરંતુ આગામી પ્રવાસની તૈયારી માટે તેને આ ટ્રાય સિરીઝમાં ઓછામાં ઓછી ત્રણ ઈનિંગ્સ મળશે.
તેણે પોતાના લિસ્ટ-A કરિયરમાં અત્યાર સુધીમાં 8 મેચોમાં 353 રન બનાવ્યા છે અને તેની એવરેજ 44.12ની રહી છે. ODI મેચોમાં પણ વૈભવ તોફાની સ્ટ્રાઇક રેટથી રમતો આવ્યો છે. લિસ્ટ-A કરિયરમાં તેનો સ્ટ્રાઇક રેટ હાલ 165નો છે. જ્યારે છેલ્લી વખત વૈભવ રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ઈન્ડિયા-A માટે રમ્યો હતો, ત્યારે તેણે માત્ર 42 બોલમાં 144 રનની ઈનિંગ રમીને ઈતિહાસ રચી દીધો હતો.
આ ટ્રાય સિરીઝની વાત કરીએ તો શ્રીલંકા બાદ ભારતનો મુકાબલો 11મી જૂને અફઘાનિસ્તાન-A સાથે થવાનો છે. 15 જૂને ઈન્ડિયા-A શ્રીલંકા-A સામે ટકરાશે અને 17 જૂને ટીમ ઈન્ડિયા ફરી એકવાર અફઘાનિસ્તાન-A સામે ટકરાશે.

