VIDEO : IND W vs BAN W: આ મહિલા ખેલાડીની તોફાની ઇનિંગ્સ: બાંગ્લાદેશ સામે ભારતની ધમાકેદાર જીત, સેમિફાઇનલની આશા જીવંત!
શેફાલી વર્માની તોફાની અર્ધસદી (ફિફ્ટી)ના જોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની 23મી મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતની આ ત્રીજી જીત છે અને આ સાથે જ ભારતના 6 પોઈન્ટ થઈ ગયા છે.
આ શાનદાર જીત સાથે ભારતે સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓ જીવંત રાખી છે. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. 137 રનના ટાર્ગેટને ભારતીય ટીમે માત્ર 16.5 ઓવરમાં જ ચેઝ (સર) કરી લીધો હતો. હવે આગામી મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
રાધા યાદવે ઝડપી 3 વિકેટ
બાંગ્લાદેશ તરફથી ઓપનર બેટર ઝુએરિયા ફિરદોસે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન નિગાર સુલ્તાનાએ 27 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી અને શોભના મોસ્તોરીએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બોલિંગમાં રાધા યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય શ્રીચરણીના ખાતામાં 2 વિકેટ આવી હતી, જ્યારે રેણુકા ઠાકુર અને નંદિની શર્માને પણ 1-1 વિકેટ મળી હતી.
T20 વર્લ્ડ કપની એક જ સીઝનમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ
12 - શ્રીચરણી, 2026
10 - પૂનમ યાદવ, 2020
9 - ડાયના ડેવિડ, 2010
8 - પૂનમ યાદવ, 2014 / 2018
8 - રાધા યાદવ, 2018
શેફાલીની તોફાની શરૂઆત અને નવો રેકોર્ડ
137 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શેફાલી વર્માએ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. તેણે મેદાનમાં આવતાની સાથે જ બાંગ્લાદેશના બોલરો પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, આ દરમિયાન સ્મૃતિ મંધાના 6 બોલમાં માત્ર 8 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. પરંતુ ભારતે પાવરપ્લે (પહેલી 6 ઓવર)માં 1 વિકેટ ગુમાવીને 63 રન બનાવી લીધા હતા, જે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમનો પાવરપ્લેમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
T20 વર્લ્ડ કપમાં ભારતનો પાવરપ્લે (પહેલી 6 ઓવર)માં સર્વોચ્ચ સ્કોર:
63/1 વિરુદ્ધ બાંગ્લાદેશ, ઓલ્ડ ટ્રેફર્ડ, 2026
59/0 વિરુદ્ધ નેધરલેન્ડ, હેડિંગ્લે, 2026
59/2 વિરુદ્ધ સાઉથ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફર્ડ, 2026
59/3 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2023 (સેમિફાઇનલ)
શેફાલી વર્મા બની મેચની હીરો
8મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને શેફાલી વર્માએ માત્ર 29 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, અર્ધસદી કર્યા બાદ તે સ્ટમ્પ આઉટ થઈ ગઈ હતી. શેફાલીએ 34 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર 53 રન બનાવ્યા હતા અને તે આ મેચની અસલી હીરો રહી હતી. તેના સિવાય યાસ્તિકા ભાટિયાએ 23 અને રિચા ઘોષે 10 રન બનાવ્યા હતા. અંતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર 13 રન અને દીપ્તિ શર્મા 5 રન બનાવીને અણનમ (નોટ આઉટ) રહી હતી અને ટીમને જીત અપાવી હતી.
T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ફાસ્ટ ફિફ્ટી (અર્ધસદી):
27 બોલ - હરમનપ્રીત કૌર વિરુદ્ધ શ્રીલંકા, દુબઈ, 2024
29 બોલ - શેફાલી વર્મા વિરુદ્ધ બાંગ્લાદેશ, ઓલ્ડ ટ્રેફર્ડ, 2026
31 બોલ - સ્મૃતિ મંધાના વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, પ્રોવિડન્સ, 2018

