400થી વધુ બાઉન્ડ્રી, 3000 પ્લસ રન... ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં મચાવી ધમાલ; બનાવ્યા આ રેકોર્ડ્સ

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં કુલ 470 બાઉન્ડ્રી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ સર્જી દીધો છે. આ 470 બાઉન્ડ્રીમાં 422 ચોગ્ગા અને 48 છગ્ગાનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે (2 ઓગસ્ટ) બન્યો હતો, જ્યારે ભારતે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
ભારતીય ટીમે પહેલીવાર 400થી વધુ બાઉન્ડ્રી ફટકારી
ઈતિહાસમાં પહેલીવાર ભારતે ટેસ્ટ સીરિઝમાં 400થી વધુ બાઉન્ડ્રી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ષ 1993ની એશિઝ સિરીઝમાં 451 ચોગ્ગા અને 9 છગ્ગા સહિત કુલ 460 બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ હવે ભારતીય ટીમે 470 બાઉન્ડ્રી ફટકારીને તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આગાઉ ભારતીય ટીમે વર્ષ 1964માં એક ટેસ્ટ સિરીઝમાં 384 બાઉન્ડ્રી ફટકારી હતી.
ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારી ટીમો
ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 દરમિયાન કુલ 3,809 રન બનાવ્યા હતા, જેની એવરેજ 42.32 હતી. આ સાથે ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા એક સિરીઝમાં બનાવેલા સૌથી વધુ રનની યાદીમાં ભારતીય ટીમ બીજા સ્થાને છે. પહેલા નંબર પર ઓસ્ટ્રેલિયા છે, તેણે વર્ષ 1989 એશિઝ સિરીઝમાં 6 મેચમાં 3,877 રન (એવરેજ57.86) બનાવ્યા હતા.
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 396 રનમાં સમેટાઈ
ઓવલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે (2 ઓગસ્ટ) ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 396 રનમાં સમેટાઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદર 53 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોશ ટંગે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડને આ ટેસ્ટ મેચ જીતવા માટે 374 રનનો ટાર્ગેટ મળ્યો છે.

