ભારતે પાંચમી ટેસ્ટ મેચ જીતતા જ WTC Points Tableમાં થયો ફાયદો, ઇંગ્લેન્ડને થયું નુકસાન

ઓવલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શુભમન ગિલની કેપ્ટન્સીમાં તે સિદ્ધિ મેળવી છે જેની કોઇને આશા નહતી. ઇંગ્લેન્ડને જીતવા માટે ટેસ્ટના છેલ્લા દિવસે 35 રનની જરૂર હતી પણભારતે ઇંગ્લિશ ટીમને 6 રન બાકી રહેતા જ ઓલ આઉટ કરી નાખી હતી.ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો પડકાર મળ્યો હતો પરંતુ આ ટીમ બીજી ઇનિંગ્સમાં 367 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
આ જીત સાથે જ ભારત સિરીઝમાં બરાબરી કરી લીધી હતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઇન્ટ ટેબલમાં કુદકો મારતા ઇંગ્લેન્ડને પછાડ્યું હતું. ઇંગ્લેન્ડને હરાવ્યા પહેલા ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા ચોથા સ્થાન પર હતી જે હવે ત્રીજા નંબર પર આવી ગઇ છે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા નંબર પર હતી જે મેચ હાર્યા બાદ ચોથા નંબર પર જતી રહી છે.
ભારતીય ટીમને થયો ફાયદો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાઇકલમાં અત્યાર સુધી ભારતે 5 મેચ રમી છે જેમાંથી તેને 2 મેચમાં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે એક મેચ ડ્રો રહી છે. ભારતના હવે 28 પોઇન્ટ થઇ ગયા છે જ્યારે તેની જીતની ટકાવારી 46.67 થઇ ગઇ છે અને આ ટીમ ત્રીજા નંબર પર આવી ગઇ છે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો આ ટીમે અત્યાર સુધી રમેલી 5 મેચમાં 2 જીતી છે અને 2 મેચ ગુમાવી છે જ્યારે એક મેચ ડ્રો થઇ છે. ઇંગ્લેન્ડના હવે 26 પોઇન્ટ છે અને જીતની ટકાવારી 43.33 છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે જેને 3માંથી 3 મેચ જીતી છે અને આ ટીમના 36 પોઇન્ટ છે જ્યારે જીતની ટકાવારી 100 ટકા છે. બીજા નંબર પર શ્રીલંકા છે. શ્રીલંકાના 2 મેચમાં 1 જીત અને 1 ડ્રો સાથે 66.67 પોઇન્ટ છે.ત્રીજા નંબર પર ભારત, ચોથા નંબર પર ઇંગ્લેન્ડ, પાંચમા નંબર પર બાંગ્લાદેશ અને છઠ્ઠા નંબર પર વેસ્ટ ઇન્ડિઝ છે. ન્યૂઝીલેન્ડ,પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હજુ સુધી કોઇ ટેસ્ટ મેચ રમાઇ નથી.

