INDC vs AUSC / ઈન્ડિયા ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયાને 46 રનથી હરાવ્યું, યુવરાજ અને ધવલ રહ્યા ભારતની જીતના હીરો

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026ની પહેલી મેચ ઈન્ડિયા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઉસ્માન ખ્વાજાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઈન્ડિયા ચેમ્પિયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. જવાબમાં, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ 16.2 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મેચ 46 રનથી હારી ગયું. યુવરાજ સિંહે કેપ્ટનશિપ ઈનિંગ રમી.
ઈન્ડિયા ચેમ્પિયન્સે મોટો સ્કોર બનાવ્યો
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી ઈન્ડિયા ચેમ્પિયન્સ સારી શરૂઆત ન કરી શકી. ઓપનર અંબાતી રાયડુ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો. જોકે, વિકેટકીપર-બેટ્સમેન નમન ઓઝાએ 31 રનની મહત્ત્વ પૂર્ણ ઈનિંગ રમી. સ્ટુઅર્ટ બિન્ની માત્ર 13 રન બનાવી શક્યો. ચોથા નંબર પર બેટિંગ કરતા, કેપ્ટન યુવરાજ સિંહે 44 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 71 રનની શાનદાર ઈનિંગ રમી. યુવરાજ સિંહને ટેકો આપતા યુસુફ પઠાણે પણ 20 બોલમાં 37 રનની શાનદાર ઈનિંગ રમી.
ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ઋષિ ધવને છેલ્લી બેટિંગ કરતા માત્ર 12 બોલમાં અણનમ 35 રન બનાવ્યા. 291.67 ના સ્ટ્રાઇક રેટથી રમતા, તેણે 1 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. પરિણામે, ઈન્ડિયન ચેમ્પિયન્સ ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન્સ માટે બેન હિલ્ફેનહોસ, બેન લાફલિન અને ફવાદ અહેમદે 2-2 વિકેટ લીધી. જોકે, ઓસ્ટ્રેલિયાએ તેમના સ્ટાર ખેલાડીઓ વિના મેચમાં પ્રવેશ કર્યો હતો.
જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત નહતી સારી રહી. કેપ્ટન ઉસ્માન ખ્વાજા 0 રને આઉટ થયો હતો અને ત્રીજા નંબરના બેટ્સમેન બેન ડંક 06 રને આઉટ થયો હતો. ત્યારબાદ ડાર્સી શોર્ટ અને જો બર્ન્સે ભારતીય બોલર્સ ની ધોલાઈ કરી. તેમણે નવમી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો. શોર્ટ 28 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો, જેમાં તેણે ચાર ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન, બર્ન્સે 32 બોલમાં 45 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં તેણે ચાર છગ્ગા ફટકાર્યા.
ત્યારબાદ, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એક પછી એક પવેલિયન પરત ફર્યા. કેલમ ફર્ગ્યુસન 0 રને, જોનાથન વેલ્સ 11 રને, નાથન કુલ્ટર-નાઇલ 0 રને, કેન રિચાર્ડસન 0 રને, બેન હિલ્ફેનહોસ 0 રને અને ફવાદ અહેમદ 0 રને આઉટ થયા.
ઈન્ડિયન ચેમ્પિયન્સ માટે મોહિત શર્માએ ત્રણ વિકેટ લીધી, જ્યારે ધવલ કુલકર્ણીએ ચાર વિકેટ લીધી. પિયુષ ચાવલાએ બે અને હરભજન સિંહે એક વિકેટ લીધી.

