IND-W vs SA-W / સાઉથ આફ્રિકા સામે શાનદાર છે ભારતનો ODI રેકોર્ડ, ટીમ ઈન્ડિયા એ જીતી છે આટલી મેચ

વિમેન્સ વર્લ્ડ કપ 2025ની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું અને ધમાકેદાર અંદાજમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો. સેમીફાઈનલમાં ભારત માટે હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ અને રિચા ઘોષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓએ ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે, ભારતીય ટીમ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે.
ભારતીય ટીમનું પલડું ભારે છે
વિમેન્સ ODI ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી કુલ 34 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 20 મેચ અને આફ્રિકન ટીમે 13 મેચ જીતી છે. આમ, હેડ ટુ હેડ રેકોર્ડમાં સાઉથ આફ્રિકા સામે ભારતનું પલડું ભારે છે.
ગ્રુપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા જીત્યું
વિમેન્સ વર્લ્ડ કપ 2025માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે એક મેચ રમાઈ હતી, જેમાં આફ્રિકન ટીમે 3 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને કુલ 251 રન બનાવ્યા હતા. ત્યારબાદ સાઉથ આફ્રિકા તરફથી લૌરા વોલ્વાર્ડ અને નાદીન ડી ક્લાર્કે શાનદાર બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓએ અડધી સદી ફટકારી, સાઉથ આફ્રિકાને જીત અપાવી હતી. નાદીને 54 બોલમાં કુલ 84 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
બંને ટીમો પાસે પહેલીવાર વિમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની તક
ભારતીય ટીમ ત્રીજી વખત વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. અગાઉ, ભારતીય ટીમ 2005 અને 2017માં વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, સાઉથ આફ્રિકા પહેલીવાર વિમેન્સ વર્લ્ડ કપ ફાઈનલ માટે ક્વોલિફાય થયું છે. કોઈપણ ટીમ હજુ સુધી ટાઈટલ નથી જીતી શકી. તેથી, આ બેમાંથી જે પણ ટીમ ટાઈટલ જીતશે તે ઈતિહાસ રચશે.

