IND vs SA / ત્રીજી ODI માટે વિશાખાપટ્ટનમમાં કેવી હશે પિચ? બોલર કે બેટ્સમેન કોનો રહેશે દબદબો?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ રોમાંચક તબક્કામાં છે. સાઉથ આફ્રિકાએ રાયપુરમાં 359 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરીને સિરીઝમાં પોતાની પહેલી જીત મેળવી. આ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ હવે વિશાખાપટ્ટનમમાં રમાશે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા મજબૂત વાપસી કરવા માંગશે. જ્યારે મુલાકાતી ટીમ વિશાખાપટ્ટનમમાં બીજી ODIના પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગશે.
વિશાખાપટ્ટનમની પિચ કેવી રમશે?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાનને બેટ્સમેન માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. આ પિચ બેટિંગ માટે ઉત્તમ માનવામાં આવે છે. બોલ બેટ પર ખૂબ જ સરળતાથી આવે છે, જેના કારણે લાંબા શોટ ફટકારવા સરળ બને છે.
જોકે, તાજેતરના સમયમાં પિચે સ્પિનર્સ માટે થોડી મદદ પણ દર્શાવી છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે, રાંચી અને રાયપુરની જેમ ત્રીજી ODI પણ રનોની વરસાદ થવાની શક્યતા વધુ છે.
આંકડા શું કહે છે?
વિશાખાપટ્ટનમના આ મેદાનમાં અત્યાર સુધીમાં કુલ 20 ODI રમાઈ છે. આમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 3 જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમે 15 જીતી છે. આનો અર્થ એ થયો કે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય અહીં હંમેશા ફાયદાકારક સાબિત થયો છે.
આ સાથે ઝાકળ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અહીં પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 233 છે, જ્યારે બીજા ઈનિંગનો સરેરાશ સ્કોર 213 છે. ભારતીય ટીમે આ જ મેદાન પર 5 વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા હતા, જે આ મેદાન પર સૌથી વધુ સ્કોર છે. નોંધનીય છે કે આ મેદાન પર સૌથી વધુ 331 રનનો ટાર્ગેટ ચેઝ થયો છે.

