IND vs SA / વિશાખાપટ્ટનમમાં કેવો છે વિરાટ કોહલીનો રેકોર્ડ? શું બીજી વખત લગાવી શકશે સદીની હેટ્રિક?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રાયપુરમાં મળેલી હાર બાદ, આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે અને બંને ટીમો સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. આ મેચનું સૌથી મોટું આકર્ષણ ફરી એકવાર વિરાટ કોહલી હશે, જેણે પહેલી બંને ODIમાં સદી ફટકારીને પોતાનો ક્લાસ અને ફોર્મ દર્શાવ્યા છે.
વિશાખાપટ્ટનમમાં કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીમાં 7 ODI મેચ રમી છે, જેમાં 97.83ની પ્રભાવશાળી એવરેજથી 587 રન બનાવ્યા છે. આ મેદાન પર તેના નામે 3 સદી અને બે અડધી સદી છે. તેણે એક વખત આ મેદાન પર 99 રનની ઈનિંગ રમી હતી. આ મેદાન પર તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 157 રન છે, જે દર્શાવે છે કે વિશાખાપટ્ટનમ કોહલીના પ્રિય મેદાનોમાંનું એક છે. જોકે તે અહીં એક મેચમાં શૂન્ય પર પણ આઉટ થયો હતો, પરંતુ મોટાભાગના પ્રસંગોએ તેણે અહીં સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવ્યું છે.
સદીની બીજી હેટ્રિક લગાવશે?
કોહલીએ રાંચી અને રાયપુરમાં રમાયેલી પ્રથમ બે મેચમાં સદી ફટકારીને સિરીઝની મજબૂત શરૂઆત કરી છે. જો તે વિશાખાપટ્ટનમમાં પણ સદી ફટકારે છે, તો તે તેની કારકિર્દીમાં સદીઓની બીજી હેટ્રિક હશે. અગાઉ, 2018માં, તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને પુણેમાં સતત ત્રણ ODI સદી ફટકારી હતી. હવે, તેની પાસે ફરી એકવાર ઈતિહાસ રચવાની તક છે.
હાલમાં, બાબર આઝમ ODI ક્રિકેટમાં એકમાત્ર ખેલાડી છે જેણે બે વાર સતત ત્રણ સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. કોહલી પાસે આ યાદીમાં જોડાવાની શાનદાર તક છે.
સિરીઝમાં કોહલીનું નવું રૂપ જોવા મળ્યું
સાઉથ આફ્રિકા સામેની આ સિરીઝમાં વિરાટ કોહલીની બેટિંગ સ્ટાઇલ ખૂબ આક્રમક દેખાઈ રહી છે. પહેલા તે ઈનિંગની શરૂઆતમાં સેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો, પરંતુ હવે તે બોલર્સ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પહેલી મેચમાં તેણે પહેલા 20 બોલમાં 2 છગ્ગા ફટકાર્યા. જ્યારે રાયપુરમાં તેણે છગ્ગા મારીને જ પોતાનું ખાતું ખોલ્યું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોહલી આત્મવિશ્વાસથી ભરેલો છે અને બેસ્ટ ફોર્મમાં છે.
શું વિશાખાપટ્ટનમમાં ફરી ચમકશે કોહલી?
ટીમ ઈન્ડિયાને ત્રીજી ODIમાં જીતની જરૂર છે અને કોહલી જબરદસ્ત ફોર્મમાં છે, જેના કરને ફેન્સની અપેક્ષાઓ વધી ગઈ છે. વિશાખાપટ્ટનમ હંમેશા કોહલી માટે ભાગ્યશાળી વેન્યુ રહ્યું છે અને હવે બધાની નજર તેના પર છે.

