રોહિત શર્માએ ઘરેલુ T20 ક્રિકેટમાં પરત ફરવાનું બનાવ્યું મન, મુંબઈ માટે રમવા તૈયાર છે હિટમેન

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે હજુ પણ ઘરેલુ ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે. એક અહેવાલ મુજબ, રોહિતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) ના નોકઆઉટ મેચોમાં મુંબઈ માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સ્થાનિક T20 ટુર્નામેન્ટનો સૌથી મોટો ફેઝ હશે, જે 12થી 18 ડિસેમ્બર દરમિયાન ઈન્દોરમાં રમાશે.
રોહિત હાલમાં સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે. આ સિરીઝની છેલ્લી મેચ શનિવાર, 6 ડિસેમ્બરે રમવાની છે. તે પછી, રોહિત SMATની નોકઆઉટ મેચ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
રોહિત શર્મા ઘરેલુ T20 ક્રિકેટ રમવા માટે તૈયાર
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે રોહિત શર્માએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નોકઆઉટ મેચોમાં મુંબઈ માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે મુંબઈની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એલીટ ગ્રુપ Aમાં છે.
મુંબઈએ લખનૌમાં રમાયેલી લીગ રાઉન્ડની ચારેય મેચ જીતી છે અને 16 પોઈન્ટ સાથે એલીટ ગ્રુપ Aમાં ટોપ પર છે. પરિણામે, ટીમની નોકઆઉટ સ્ટેજમાં પહોંચવાની શક્યતા લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ મુંબઈ માટે રમી રહ્યા છે.
BCCIનો નિયમ
આ વર્ષની શરૂઆતમાં, BCCI એ એક નિયમ લાગુ કર્યો હતો જેમાં કોઈપણ ભારતીય ખેલાડી, જ્યારે રાષ્ટ્રીય ટીમનો ભાગ ન હોય અથવા ઈજામાંથી બહાર ન આવી રહ્યો હોય, ત્યારે તેણે ઘરેલુ ક્રિકેટ રમવું આવશ્યક છે. આ નિયમ હેઠળ, રોહિત હવે મુંબઈ માટે ઉપલબ્ધ રહેવા માંગે છે.
રોહિત શર્મા ઉત્તમ ફોર્મમાં છે
રોહિત શર્મા હાલમાં ઉત્તમ ફોર્મમાં છે. સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં, રોહિત શર્માએ 57 અને 14 રન બનાવ્યા છે. રોહિત હવે ઘરેલુ T20 ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે. તમને જણાવીએ દઈએ કે રોહિત T20 ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે.
2007ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, તેણે ગુજરાત સામે મુંબઈ માટે 101 રન બનાવ્યા હતા. રોહિતે 463 T20 મેચ રમી છે, જેમાં 8 સદી અને 82 અડધી સદી સહિત 12,248 રન બનાવ્યા છે. T20I ક્રિકેટમાં, રોહિતે 159 મેચોમાં 4231 રન બનાવ્યા છે. ગયા વર્ષે, હિટમેનેન ભારતને T20 વર્લ્ડ કપ ટાઈટલ અપાવ્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

