મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી એડિલેડ ટેસ્ટ, સિરીઝ 1-1થી બરાબર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી એડિલેડ ટેસ્ટ, સિરીઝ 1-1થી બરાબર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાને ચોથી ઈનિંગમાં માત્ર 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. આ મેચની જીત સાથે, સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. આ પહેલા પર્થ ટેસ્ટમાં ભારતે 295 રનથી જંગી જીત નોંધાવી હતી. એડિલેડમાં પિંક-બોલ ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાની આ સતત 8મી જીત છે.

મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ  માત્ર 175 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાને ચોથી ઈનિંગમાં માત્ર 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે તારણહાર બનેલો રિષભ પંત સંપૂર્ણપણે 'આઉટ ઓફ ટચ' દેખાયોહતો. નીતીશ રેડ્ડી ચોક્કસપણે સારા ફોર્મમાં દેખાયો હતો, તે બંને ઈનિંગ્સમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે બંને ઈનિંગ્સમાં 42 રન બનાવ્યા હતા.

ટ્રેવિસ હેડ ભારત માટે મુશ્કેલી બન્યો

ટ્રેવિસ હેડ સમયાંતરે ભારત સામે ઘણા રન બનાવી રહ્યો છે. ટ્રેવિસ હેડ જ હતો જેણે એડિલેડ ટેસ્ટમાં ભારત પાસેથી જીત છીનવી લીધી હતી. તેણે એવા સમયે 140 રનની ઈનિંગ રમી જ્યારે અન્ય બેટ્સમેનો એક રન બનાવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. હેડની સદી અને માર્નસ લાબુશેનની 64 રનની ઈનિંગના કારણે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 157 રનની લીડ મેળવવામાં સફળ રહ્યું હતું. 

સ્ટાર્ક-કમિન્સનું શાનદાર પ્રદર્શન

મેચની શરૂઆત ખુદ મિશેલ સ્ટાર્કે યશસ્વી જયસ્વાલને ગોલ્ડન ડકનો શિકાર બનાવીને કરી હતી. વિકેટો પડવાનો ક્રમ ત્યાંથી પૂરો ન થયો. સ્થિતિ એવી હતી કે ભારતની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 157 રનની લીડ આપતા 337 રન બનાવ્યા હતા. સ્ટાર્કે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી, તેણે સમગ્ર મેચમાં 8 વિકેટ ઝડપી હતી. કમિન્સે બીજી ઈનિંગમાં ચાર્જ સંભાળ્યો હતો, તેણે પ્રથમ ઈનિંગમાં 2 વિકેટ લીધી હતી. પરંતુ બીજી ઈનિંગમાં તેણે 5 વિકેટ લીધી હતી.

બેટિંગમાં ભારતનો ફ્લોપ શો

એડિલેડ ટેસ્ટમાં ભારતીય બેટિંગ શરૂઆતથી જ નિઃસહાય દેખાઈ રહી હતી. નીતિશ રેડ્ડીએ બંને દાવમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી બંને ઈનિંગ્સમાં કુલ 18 રન બનાવી શક્યો અને કેપ્ટન રોહિત શર્મા આખી મેચમાં માત્ર 9 રન જ બનાવી શક્યો.

આ સમાચાર શેર કરો