VIDEO: 47 વર્ષની ઉંમરે ઇમરાન તાહિરે ઈતિહાસ રચ્યો, T20 ક્રિકેટમાં કર્યું મોટું કારનામું
ઉંમર ફક્ત એક સંખ્યા છે... સાઉથ આફ્રિકાના અનુભવી લેગ-સ્પિનર ઇમરાન તાહિરે ફરી એકવાર આ સાબિત કર્યું છે. એવી ઉંમરે જ્યારે ઘણા દિગ્ગજ ખેલાડીઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે ક્રિકેટ છોડી દે છે, ત્યારે તાહિર ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવી રહ્યો છે. 9 સપ્ટેમ્બરના રોજ તાહિરે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો.
ગયાના એમેઝોન વોરિયર્સના કેપ્ટન તાહિરે સેન્ટ લુસિયા કિંગ્સ સામે પોતાનો સ્પિન જાદુ બતાવ્યો, માત્ર 17 રનમાં 5 વિકેટ લીધી. તેની ઘાતક બોલિંગના પરિણામે સેન્ટ લુસિયાની આખી ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે તાહિરે T20 ક્રિકેટમાં એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
ઇમરાન તાહિરે 5 વિકેટ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો
ગયાના એમેઝોન વોરિયર્સના કેપ્ટન અને અનુભવી સ્પિનર ઇમરાન તાહિરે સેન્ટ લુસિયા કિંગ્સ સામેના પોતાના ચાર ઓવરના સ્પેલમાં શાનદાર બોલિંગ કરી, માત્ર 17 રનમાં 5 બેટ્સમેનોને આઉટ કર્યા. તેનો ઇકોનોમી રેટ 4.25 રન હતો. તે CPLમાં 5 વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન બન્યો. આ તેની CPL કારકિર્દીમાં બીજો પાંચ વિકેટ હોલ અને તેની T20 કારકિર્દીમાં છઠ્ઠો પાંચ વિકેટ હોલ હતો.
તાહિરે 47 વર્ષની ઉંમરે પાંચ વિકેટ લઈને T20 ક્રિકેટમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તે હવે T20 ક્રિકેટ ઈતિહાસમાં પાંચ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેણે 47 વર્ષ અને 166 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. આ સંદર્ભમાં, તેણે કુક આઈલેન્ડના બોલર તોમાકાનુટે રિતાવાનો રેકોર્ડ તોડ્યો, જેમણે 46 વર્ષ અને 299 દિવસની ઉંમરે T20 ક્રિકેટમાં 5 વિકેટ લીધી હતી.
T20 ક્રિકેટમાં 5 વિકેટ લેનારા સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ
47 વર્ષ 166 દિવસ - ઇમરાન તાહિર (2026)
46 વર્ષ 299 દિવસ - તોમાકાનુટે રિતાવા (2022)
46 વર્ષ 148 દિવસ - ઇમરાન તાહિર (2025)
44 વર્ષ 323 દિવસ - ઇમરાન તાહિર (2024)
44 વર્ષ 165 દિવસ - પ્રકાશ મિશ્રા (2023)
42 વર્ષ 135 દિવસ - ઇમરાન તાહિર (2021)
ગયાનાએ મેચ 4 વિકેટથી જીતી હતી
આ મેચમાં, સેન્ટ લુસિયા કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. સેન્ટ લુસિયા કિંગ્સે શરૂઆતમાં ઝડપથી સ્કોર કર્યો હતો, પરંતુ ગયાના એમેઝોન વોરિયર્સના બોલર્સે ટૂંક સમયમાં જ પોતાની પકડ મજબૂત કરી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા, સેન્ટ લુસિયા કિંગ્સ તેની સંપૂર્ણ 20 ઓવર પૂર્ણ કન કરી શક્યું, 18.5 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગયા. ગયાના માટે કેપ્ટન ઇમરાન તાહિરે સૌથી વધુ વિકેટ લીધી, જેમાં તેણે પાંચ વિકેટ લીધી..
તેના ઉપરાંત, મેહદી હસન મિરાઝે ત્રણ વિકેટ લીધી, જ્યારે ડ્વેઇન પ્રિટોરિયસ અને રોમારિયો શેફર્ડે એક-એક વિકેટ લીધી. જવાબમાં ગયાનાએ 18.3 ઓવરમાં 6 વિકેટે 122 રન બનાવીને મેચ સરળતાથી જીતી લીધી. ગયાના માટે ગ્લેન ફિલિપ્સે 37 રન બનાવ્યા અને ક્વેન્ટિન સેમ્પસને અણનમ 37 રન બનાવ્યા.

