ઈમરાન તાહિરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટમાં આવો ચમત્કાર કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2025માં, એન્ટિગુઆ અને બાર્બુમા ફાલ્કન્સની ટીમ અને ગુયાના અમેઝન વોરિયર્સની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આમાં ગુયાનાની ટીમ 83 રનથી જીતી ગઈ. 46 વર્ષીય ઈમરાન તાહિરે ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું અને તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ગુયાના વોરિયર્સની ટીમે પહેલા બેટિંગ કરીને 211 રનનો મોટો સ્કોર બનાવ્યો. આ પછી, એન્ટિગુઆ અને બાર્બુમા ફાલ્કન્સની ટીમ ફક્ત 128 રનમાં સમેટાઈ ગઈ.
T20 ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન
ઈમરાન તાહિરે મેચમાં 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી હતી. વિરોધી ટીમના બેટ્સમેન તેના બોલને સમજી ન શક્યા. ઈમરાને 46 વર્ષ અને 148 દિવસની ઉંમરે 5 વિકેટ ઝડપી છે. તે T20 ક્રિકેટના ઈતિહાસમાં પાંચ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બન્યો છે. તેણે મલાવીના કેપ્ટન મોઅઝ્ઝમ અલી બેગનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. મોઅઝ્ઝમે 39 વર્ષની ઉંમરે મલાવી માટે રમતી વખતે કેમરૂન સામે પાંચ વિકેટ લીધી હતી. હવે ઈમરાને કેપ્ટન રહીને તેનો રેકોર્ડ તોડ્યો છે.
ઈમરાને T20 ક્રિકેટમાં કમાલ કરી
ઈમરાન તાહિર 40 વર્ષથી વધુ ઉંમરે T20 ક્રિકેટમાં 5 વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન પણ બન્યો છે. ઈમરાન પહેલા, 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી કોઈપણ કેપ્ટન T20 ક્રિકેટમાં 5 વિકેટ નથી લઈ શક્યો.
લસિથ મલિંગાની બરાબરી
ઈમરાન તાહિર T20 ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર બીજા ખેલાડી બન્યો છે. તેણે અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં પાંચ વખત 5 વિકેટ લીધી છે. તેણે શાહીન આફ્રિદી, લસિથ મલિંગા, ભુવનેશ્વર કુમાર, શાકિબ અલ હસનની બરાબરી કરી છે. આ બોલરોએ T20 ક્રિકેટમાં પાંચ-પાંચ વખત 5 વિકેટ લીધી છે. ડેવિડ વીઝ T20 ક્રિકેટમાં સૌથી વધુ એટલે કે 7 વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે.

