VIDEO: બાંગ્લાદેશ સામે શરમજનક હાર બાદ પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, આ ભૂલ માટે ICCએ કરી સજા
બાંગ્લાદેશ પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમને એક સાથે ત્રણ ઝટકા લાગ્યા છે. એકતરફ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો શરમજનક પરાજય થયો છે, તો બીજીતરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાની ટીમને સ્લો ઓવર બદલ મોટો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, ICCએ WTCના પોઈન્ટ ટેબલમાંથી પાકિસ્તાનનો પોઈન્ટ પણ કાપી નાખ્યા છે.
બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનની શરમજનક હાર
મીરપુરની ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 104 રને પરાજય થયો હતો. બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 413 અને બીજી ઈનિંગમાં 240 રન ફટકાર્યા હતા, તો પાકિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં 386 રનમાં તો બીજી ઈનિંગ માં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ બાંગ્લાદેશે પાકિસ્તાન વિરુદ્ધ ઐતિહાસિક જીત મેળવી હતી. બાંગ્લાદેશે પોતાની જ ધરતી પર ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હોય, તેવું પહેલીવાર બન્યું છે.
મેચ બાદ ICCની પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી
હવે મેચ પૂરી થયા બાદ આઈસીસીએ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ICCએ મેચમાં સ્લો ઓવર નાખવા બદલ પાકિસ્તાની ટીમને મેચ ફીનો 40 ટકા દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-2027ના પોઈન્ટ ટેબલમાંથી પાકિસ્તાનનો 8 પોઈન્ટ પણ કાપી નાખ્યા છે, જેના કારણે પાકિસ્તાન માત્ર 4 પોઈન્ટ સાથે સાતમાં ક્રમાંકે ધકેલાઈ ગયું છે. હવે પાકિસ્તાની ટીમનું ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે.
પાકિસ્તાનને મોટો દંડ કેમ ફટકારાયો?
ICCના રિપોર્ટ મુજબ, જો ટેસ્ટ મેચમાં ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરે તો પ્રતિ ઓવર 5 ટકા મેચ ફી કાપવામાં આવે છે. આ ઉપરાંત પ્રતિ ઓવર એક પોઈન્ટ (WTC પોઈન્ટ ટેબલમાં) પણ ઘટાડવામાં આવે છે. પાકિસ્તાની ટીમે નિર્ધારિત સમયમાં ઓવરો પુરી કરી ન હતી, જેમાં ટીમે 8 ઓવર ઓછી નાખી હતી. તેથી ટીમને મેચ ફીનો 40 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને 8 પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે.
અમ્પાયર્સની ફરિયાદ બાદ પાકિસ્તાન સામે કાર્યવાહી
પાકિસ્તાનના સુકાની શાન મસૂદે ICCના આરોપોને સ્વિકારી લીધા છે. મીરપુર ટેસ્ટ મેચના અમ્પાયર્સ રિચર્ડ કૈટલબોરો અને કુમાર ધર્મસેના, થર્ડ એમ્પાયર અલાઉદ્દીન પાલેકર અને ફોર્થ એમ્પાયર ગાજી સોહેલે પાકિસ્તાની ટીમે સ્લો-ઓવર રેટ નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ ICC એલીટ પેનલના મેચ રેફરી જેફ ક્રોએ પાકિસ્તાનને આ દંડ ફટકાર્યો છે.

