VIDEO: વિરાટ કોહલીએ 2027નો વર્લ્ડ કપ રમવા માટે મૂકી શરત, ભારતીય બેટ્સમેને કહ્યું- 'જો મારે વારંવાર મારી...'
ભારતીય ક્રિકેટ જગતના કિંગ વિરાટ કોહલી હાલમાં IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી શાનદાર ફોર્મમાં છે. ઓરેન્જ કેપની રેસમાં આગળ રહેલા કોહલીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં 2027ના ODI વર્લ્ડ કપમાં રમવા અંગે પોતાની મહત્ત્વની શરત જાહેર કરી છે.
'મારે વારંવાર સાબિત નથી કરવું કે હું કોણ છું'
વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું હતું કે, તે 2027નો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે, પરંતુ તે એવા વાતાવરણમાં નથી રહેવા માંગતો જ્યાં તેને વારંવાર પોતાની ક્ષમતા સાબિત કરવી પડે. કોહલીએ કહ્યું, "જો મને એવું અનુભવ કરાવવામાં આવે કે મારે મારી કિંમત સાબિત કરવાની છે, તો તે જગ્યા મારા માટે નથી. હું મારી તૈયારી અને મહેનત બાબતે હંમેશા ઈમાનદાર રહ્યો છું."
કોહલીની શરત શું છે?
37 વર્ષીય કોહલીએ ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને લઈને આડકતરો ઈશારો કરતા કહ્યું કે, "કાં તો તમે પ્રથમ દિવસે કહી દો કે મારી જરૂર નથી, અથવા તો મારા પર ભરોસો રાખો. દરેક ખરાબ પ્રદર્શન પછી મૂલ્યાંકન બદલાય તે યોગ્ય નથી. જ્યાં સુધી ટીમને લાગે છે કે હું રમતમાં યોગદાન આપી શકું છું, ત્યાં સુધી હું રમવાનું ચાલુ રાખીશ." કોહલી આજે પણ દરેક બોલ એવી રીતે રમે છે જાણે તે તેના કરિયરનો છેલ્લો બોલ હોય. જો ટીમ કહે કે 40 ઓવર સુધી બાઉન્ડ્રી પર દોડવાનું છે, તો પણ તે ફરિયાદ વગર કરવા તૈયાર છું.
ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જ પ્રેરણા
કોહલીએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ તેનો અભિગમ બદલાઈ ગયો છે. હવે તે કોઈ રેકોર્ડ કે ટીકાકારોને જવાબ આપવા માટે નહીં, પણ રમત પ્રત્યેના પોતાના જૂના બાલ્યાવસ્થાના પ્રેમને કારણે મેદાન પર ઉતરે છે. તેણે કહ્યું કે, "જ્યારે મેં દબાણ અને બહારની વાતો છોડી દીધી, ત્યારે મને મેદાન પર ફરી એવો જ આનંદ મળવા લાગ્યો જેવો નાનપણમાં મળતો હતો."
માત્ર ODI ફોર્મેટ પર ફોકસ
નોંધનીય છે કે, કોહલી પહેલેથી જ T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે માત્ર ODI ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કોહલીનું લક્ષ્ય ભારત માટે વધુ એક વર્લ્ડ કપ જીતવાનું છે, પરંતુ તે સન્માનજનક વાતાવરણમાં રમવા ઈચ્છે છે.

