ICC વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2027 વનડે વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થશે, જ્યારે ફાઈનલ મુકાબલો 21 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આઈસીસીએ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કેપટાઉનમાં આ મેગા ઈવેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી.
જોહાનિસબર્ગમાં 10 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2027 વનડે વર્લ્ડ કપમાં 10 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થશે. બંને દેશોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે, જે 7 ઓક્ટોબરે કેપટાઉનમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં પાકિસ્તાન સામે ટકરાશે. 14 ઓક્ટોબરે સેન્ચુરિયનમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. 17 ઓક્ટોબરે ક્વોલિફાયર-Aથી આવેલી ટીમ સામે અને 24 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે ભારતની મેચ થશે.
3 દેશોના 12 વેન્યુ પર રમાશે 2027 વનડે વર્લ્ડ કપ
દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના 12 વેન્યુ પર 2027 વનડે વર્લ્ડ કપની કુલ 57 મેચો રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે. દક્ષિણ આફ્રિકાના 8, ઝિમ્બાબ્વેના 3 અને નામિબિયાના 1 વેન્યુ પર મેચો રમાડવામાં આવશે.
2 ગ્રુપમાં વહેંચાયેલી 12 ટીમો વચ્ચે ટ્રોફી માટેનો જંગ
2027 વર્લ્ડ કપનું ફોર્મેટ ખૂબ જ અલગ અને રસપ્રદ છે. શરૂઆતમાં જ બે ટીમો બહાર થઈ જશે. આ પછી 12 ટીમો વચ્ચે ટ્રોફી માટે જંગ જામશે. આ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ગ્રુપ-A
અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-A છે.
ગ્રુપ-B
બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર-B છે.
દક્ષિણ આફ્રિકા, ભારત સહિત 10 ટીમોએ કર્યું ક્વોલિફાય
અત્યાર સુધી ICC 2027 વનડે વર્લ્ડ કપ માટે કુલ 10 ટીમોએ ક્વોલિફાય કર્યું છે. વેસ્ટ ઈન્ડીઝ તેમાં સામેલ નથી. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને ICC ની વનડે રેન્કિંગના આધારે સીધું ક્વોલિફાય કર્યું છે. યજમાન દેશ હોવાના કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ટૂર્નામેન્ટમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. નામિબિયા પણ સહ-યજમાન છે, પરંતુ ICCનું પૂર્ણ સભ્ય ન હોવાને કારણે તેને સીધી એન્ટ્રી મળી નથી. જ્યારે બાકીની ચાર ટીમો ક્વોલિફાયર રાઉન્ડ રમીને આવશે. વેસ્ટ ઈન્ડીઝ પણ ક્વોલિફાયર રાઉન્ડ રમશે.

