ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા હાર્દિક પંડ્યા માટે કપરાં ચઢાણ: પસંદગીકારો, કોચ દ્રવિડ અને રોહિત શર્માએ મીટિંગ યોજી
IPLમાં સારૂ પ્રદર્શન કરનારા શિવમ દુબે-રિયાન પરાગ પર પસંદગીકારોની નજર ભારતીય ટીમના ઓલ રાઉન્ડર અન

IPLમાં સારૂ પ્રદર્શન કરનારા શિવમ દુબે-રિયાન પરાગ પર પસંદગીકારોની નજર
ભારતીય ટીમના ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાનું આગામી જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન નિશ્ચિત નથી. ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિ, હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માની મુંબઇમાં એક મીટિંગ યોજાઇ હતી જેનો મુખ્ય આશય વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત થાય તે અગાઉ ટીમની સમતુલા અને સંભવીત ખેલાડીઓના નામોની વિચારણા કરવાનો હતો.
IPL નિર્ણાયક
હાર્દિક પંડ્યા અને ટીમમાં તેના સ્થાન અંગે પણ ચર્ચા થઇ હતી અને તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે હાર્દિકની બેટિંગ અને બોલિંગથી IPLની અત્યાર સુધીની રમાયેલી મેચથી તેઓ સંતૃષ્ટ નથી. પસંદગી સમિતિને એક સંપૂર્ણ ફાસ્ટ બોલર ઓલ રાઉન્ડર જોઇએ છે. જે બોલર તરીકે ચાર ઓવરનો ક્વોટા વખત આવ્યે સંભાળી શકે અને ખર્ચાળ પણ પૂરવાર ન થાય. વિકેટ પણ ઝડપી શકે.
છ મેચમાં હાર્દિક પંડ્યા પ્રભાવહીન
હાર્દિક પંડ્યા વન ડે વર્લ્ડકપની ફાઇનલ અગાઉ જ ઇજાગ્રસ્ત થયો હતો. તે પછી તે પુન:ફીટનેસ પ્રાપ્ત કરીને સીધો IPLમાં જ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે ભાગ લઇ રહ્યો છે. IPLની અત્યાર સુધીની મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળ મુંબઇ છ મેચમાંથી ચાર મેચમાં હાર્યું છે.
ચાર મેચમાં જ કરી બોલિંગ
મુંબઇ ઇન્ડિયન્સ IPLની સિઝનમાં અત્યાર સુધી છ મેચ રમ્યુ છે જેમાંથી ચાર મેચમાં જ તેણે બોલિંગ નાંખી છે. બે મેચમાં એક પણ ઓવર નથી નાંખી.
રન બનાવવામાં પણ હાર્દિક પંડ્યા નિષ્ફળ
પસંદગી સમિતિ, દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ એવી પણ ચર્ચા કરી હતી કે તેઓ હાર્દિક પંડ્યા આઇપીએલની બાકીની મેચમાં ઓલ રાઉન્ડ તરીકે કેવો અસરકારક રહેશે તેના પર નજર રાખશે. હાર્દિક પંડ્યા પુરી ચાર ઓવર અને તે પણ ચુસ્ત રીતે ફેકે તે અનિવાર્ય છે. તે બેટ્સમેન તરીકે પણ છ મેચમાં 131 રન જ બનાવી શક્યો છે.
પંડ્યાના વિકલ્પ તરીકે શિવમ દુબે પર ચર્ચા
પસંદગી સમિતિ, હેડ કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ એવી પણ ચર્ચા કરી હતી કે જો હાર્દિક પંડ્યા તેનું ઓલરાઉન્ડર ફોર્મ નથી બતાવી શકતો તો તેના સ્થાને શિવમ દુબે અંગે વિચારણા થઇ શકે. બેટિંગમાં તો તેણે ચોક્કસ પ્રભાવિત કર્યા છે પણ તેનો ચેન્નાઇ સુપર કિગ્સ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ ઉપયોગ કરતી હોય તેની બોલિંગ પ્રતિભા અંગે હજુ કંઇ નિશ્ચિત ન કહી શકાય તેવી સ્થિતિ છે. આમ છતાં શિવમ દુબેના નામની વિચારણા થઇ જ શકે છે.
રિયાન પરાગ પર પણ નજર
બેઠકમાં IPLમાં સારૂ પ્રદર્શન કરનાર રાજસ્થાન રોયલ્સના ખેલાડી રિયાન પરાગ પર પણ નજર રાખવામાં આવી રહી છે. રિયાન પરાગે IPL 2024માં 7 મેચમાં 318 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 3 અડધી સદી પણ ફટકારી છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવા મામલે તે વિરાટ કોહલી (361) પછી બીજા નંબર પર છે.
ટી-20 વર્લ્ડકપમાં આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા/શિવમ દુબે, લોકેશ રાહુલ, રિન્કુ સિંઘ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, રિષભ પંત/ સંજુ સેમસન








