હાર્દિક પંડ્યાએ તોડ્યો BCCIનો નિયમ, જે કામ માટે ના પાડી હતી વિજય હજારે ટ્રોફીમાં તે જ કર્યું

હાર્દિક પંડ્યાએ વિજય હજારે ટ્રોફીમાં ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચંદીગઢ સામે પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા બરોડાએ 391 રન બનાવ્યા અને તેના જવાબમાં ચંદીગઢ 242 રનમાં ઓલઆઉટ થઈ ગયું. હાર્દિક પંડ્યાએ આ મેચમાં 31 બોલમાં 75 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 240થી વધુ હતો. જોકે, હાર્દિકે પછી એવું કંઈક કર્યું જે BCCIના નિયમો વિરુદ્ધ હતું.
હાર્દિકે BCCIના નિર્દેશોનો અનાદર કર્યો
ચંદીગઢ સામે 75 રનની ઈનિંગ રમ્યા બાદ હાર્દિક બોલિંગ કરવા માટે મેદાનમાં આવ્યો. તેણે માત્ર એક કે બે ઓવર નહીં, પરંતુ પૂરી 10 ઓવર ફેંકી હતી. હાર્દિકે તેના 10 ઓવરના સ્પેલમાં 66 રન આપીને 3 વિકેટ લીધી. અહીં મહત્ત્વની વાત એ છે કે હાર્દિકને BCCIના સેન્ટર ઓફ એકસેલન્સ (COE) દ્વારા બોલિંગ કરવાની પરવાનગી નથી આપવામાં આવી.
ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે BCCIએ ટ્વીટ કર્યું હતું કે હાર્દિક 10 ઓવર ફેંકવા માટે ફિટ નથી. તેમ છતાં ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સંપૂર્ણ ઓવર ફેંકી. હાર્દિક પંડ્યાને COEએ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બચાવી રાખ્યો છે અને તે વિજય હજારે ટ્રોફીમાં સંપૂર્ણ 10 ઓવર ફેંકી રહ્યો છે. હાર્દિકને આ માટે BCCI તરફથી ઠપકો કે સજા મળી શકે છે. જોકે, તે પણ શક્ય છે કે ઓલરાઉન્ડરે ચંદીગઢ સામેની મેચ પહેલા પરવાનગી મેળવી લીધી હોય.

