IND vs SA / ત્રીજી મેચમાં એક વિકેટ લેતા જ હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ક્રિકેટ જગતમાં એક મોટો અને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હાર્દિકે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં એવો પ્રથમ ખેલાડી બની ગયો છે, જેના નામે 1000થી વધુ રન, 100થી વધુ વિકેટ અને 100 છગ્ગા નોંધાયા છે.
વૈશ્વિક ક્રિકેટમાં અદ્ભુત સિદ્ધિ
હાર્દિકે આ ઉપરાંત અન્ય પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે T20I ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ લેનારા વિશ્વનો પ્રથમ પેસ ઓલરાઉન્ડર બન્યો છે. આ અગાઉ બાંગ્લાદેશના શાકિબ અલ હસન, અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે, જે તમામ સ્પિન ઓલરાઉન્ડર છે.
આ સિવાય હાર્દિક પંડ્યા T20Iમાં 100 વિકેટ લેનારા ભારતનો ત્રીજા બોલર બન્યો છે. તેના પહેલા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (112 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (101 વિકેટ) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
હાર્દિક પંડ્યાના નામે ટ્રિપલ સિદ્ધિ
ઈજામાંથી સાજા થયા બાદ હાર્દિકની સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝમાં શાનદાર વાપસી જોવા મળી છે. તેણે પ્રથમ મેચમાં 59 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં તેણે 4 છગ્ગા ફટકારીને T20I ક્રિકેટમાં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા હતા. હાલમાં, દુનિયાના અન્ય કોઈ ખેલાડીના નામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન, 100 વિકેટ અને 100 છગ્ગાની ટ્રિપલ સિદ્ધિ નોંધાયેલી નથી.
હાર્દિકની રોહિત-વિરાટની ક્લબમાં એન્ટ્રી
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ થયો છે. આ યાદીમાં માત્ર ચાર ભારતીય બેટ્સમેન છે.
- રોહિત શર્મા: 205 છગ્ગા
- સૂર્યકુમાર યાદવ: 155 છગ્ગા
- વિરાટ કોહલી: 124 છગ્ગા
- હાર્દિક પંડ્યા: 100 છગ્ગા
- કે.એલ.રાહુલ: 99 છગ્ગા
ત્રીજી T20Iમાં ભારતનો વિજય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી છે. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીની ઘાતક બોલિંગ સામે સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, ટીમ ઇન્ડિયાએ 15.5 ઓવરમાં ત્રણ વિકેટે ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી છે. ભારત માટે યુવા બેટ્સમેન અભિષેક શર્માએ 18 બોલમાં 35 રન અને શુભમન ગિલએ 28 બોલમાં 28 રનની ઈનિંગ રમી હતી.

