યશસ્વી જયસ્વાલની શાનદાર સદી... સરફરાઝ ખાન પણ ચમક્યો, મુંબઈએ SMATમાં ચેઝ કર્યા આટલા રન

ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝ માટે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. તે એશિયા કપ 2025 અને તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન T20I ટીમનો પણ ભાગ નહતો. યશસ્વી હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26માં મુંબઈનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. રવિવાર, 14 ડિસેમ્બરના રોજ હરિયાણા સામેની સુપર લીગ મેચમાં યશસ્વીએ શાનદાર સદી ફટકારી હતી.
પુણેના અંબીમાં DY પાટિલ એકેડેમી ખાતે રમાયેલી મેચમાં યશસ્વી જયસ્વાલે માત્ર 48 બોલમાં પોતાની સદી પૂરી કરી. યશસ્વીએ 50 બોલમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 101 રન બનાવ્યા. આ તેની T20 કારકિર્દીની ચોથી સદી હતી. મુંબઈ તરફથી સરફરાઝ ખાને પણ ધમાકેદાર ઈનિંગ રમી, જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી અને સરફરાઝની શાનદાર બેટિંગને કારણે, મુંબઈએ 6 વિકેટ ગુમાવીને 235 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. અગાઉ, શુક્રવારે (12 ડિસેમ્બર) ઝારખંડે પંજાબ સામે આ જ મેદાન પર 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ હરિયાણાના ફાસ્ટ બોલર્સ પર ભારે પડ્યો હતો. તેણે અંશુલ કંબોજ સામે 13 બોલમાં 34 રન બનાવ્યા હતા, જ્યારે સુમિત કુમારના 13 બોલમાં 25 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી 18મી ઓવરમાં આઉટ થયો ત્યારે મુંબઈ જીતથી માત્ર સાત રન દૂર હતું. મુંબઈએ 15 બોલ બાકી રહેતા ચાર વિકેટે મેચ જીતી લીધી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી હરિયાણાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 234 રન બનાવ્યા હતા. કેપ્ટન અંકિત કુમારે 42 બોલમાં 89 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. નિશાંત સિંધુએ પણ 38 બોલમાં અણનમ 63 રનનું યોગદાન આપ્યું. નિશાંતે તેની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
યશસ્વી જયસ્વાલને વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારત માટે રમવાની વધુ તક નથી મળી. અત્યાર સુધી, તેણે ભારત માટે 23 T20I મેચ રમી છે, જેમાં 36.15ની એવરેજથી 723 રન બનાવ્યા છે. આ દરમિયાન યશસ્વીએ એક સદી અને એક અડધી સદી ફટકારી છે. ODIમાં યશસ્વીએ ચાર મેચોમાં 57ની એવરેજથી 171 રન બનાવ્યા છે અને એક સદી પણ ફટકારી છે.

