VIDEO / જ્યારે હરભજન સિંહે IPL મેચમાં શ્રીસંતને મારી હતી થપ્પડ, 17 વર્ષ બાદ સામે આવી તેની ક્લિપ

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL હવે 18 વર્ષ જૂની થઈ ગઈ છે. પહેલી સિઝનથી અત્યાર સુધી, દર વર્ષે વિશ્વભરના ખેલાડીઓ ભારતમાં આવે છે અને આ લીગનો ભાગ બને છે અને નવા રેકોર્ડ બનાવે છે. વર્ષ 2008માં જ્યારે પહેલીવાર IPLનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એક મોટી બબાલ થઈ હતી. મેચ પૂરી થયા પછી, ભારતના બે ખેલાડીઓ, હરભજન સિંહ અને શ્રીસંત, સામસામે આવી ગયા હતા. તેમાં, હરભજનએ શ્રીસંતને થપ્પડ મારી હતી, જેની ચર્ચા ઘણા સમય સુધી થઈ હતી. જોકે, તેનો વીડિયો જાહેર નહતો થયો. પરંતુ હવે આ વીડિયો આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
લલિત મોદીએ વીડિયો રિલીઝ કર્યો
2008ના IPLની પહેલી સિઝનમાં એક ઘટના બની હતી જેની ચર્ચા ઘણા વર્ષો સુધી થઈ હતી, પરંતુ જે કંઈ બન્યું તેનો વીડિયો જાહેર નહતો થઈ શક્યો, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ (અત્યારે પંજાબ કિંગ્સ) વચ્ચેની મેચ હતી. ટે સમયે મુંબઈ તરફથી રમતા હરભજન સિંહે પંજાબના એસ શ્રીસંતને થપ્પડ મારી હતી. બાદમાં મીડિયામાં તેને સ્લેપગેટના નામથી ઓળખવામાં આવ્યું. આ દરમિયાન, IPLના જનક ગણાતા અને તેના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ તેનો વીડિયો રિલીઝ કર્યો છે, જે અત્યાર સુધી હિડન હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે મેચ પૂરી થયા પછી, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે હરભજન સિંહ શ્રીસંતને થપ્પડ મારે છે. આ થપ્પડ મારવાની ઘટના બાદ હરભજન સિંહ પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેના પર 5 ODI મેચનો પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
માઈકલ ક્લાર્ક સાથે પોડકાસ્ટમાં વીડિયો રિલીઝ થયો
લલિત મોદીને ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને તે ઘણા વર્ષોથી ભારતની બહાર રહે છે. જોકે, તે વચ્ચે તે કંઈકને કંઈક કરતો રહે છે, જેના કારણે તે ચર્ચામાં આવે છે. આ દરમિયાન, તેણે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્ક સાથે પોડકાસ્ટ કરી છે. જે બિયોન્ડ23 ક્રિકેટ પોડકાસ્ટ તરીકે ઓળખાય છે. આ સમય દરમિયાન લલિત મોદીએ આ વીડિયો ફૂટેજ રિલીઝ કરી છે.
ભજ્જીએ ઘણીવાર આ ભૂલ સ્વીકારી
પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ઘણી વાર પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ શ્રીસંતની પુત્રી દ્વારા કહેવામાં આવેલી એક વાત હજુ પણ તેને ભુલાઈ નથી. શ્રીસંતની પુત્રીએ હરભજન સિંહને કહ્યું હતું કે, "હું તમારી સાથે વાત નથી કરવા માંગતી, તમે મારા પિતાને માર્યા." ભજ્જી માને છે કે શ્રીસંતની પુત્રીની નજરમાં તે ખરાબ વ્યક્તિ છે અને આ છબી સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.
મેં 200 વાર માફી માંગી: હરભજન સિંહ
એક ઇન્ટરવ્યુમાં હરભજન સિંહે કહ્યું કે, "હું મારા જીવનમાં એક વસ્તુ બદલવા માંગુ છું તે છે શ્રીસંત સાથે બનેલી ઘટના. હું મારી કારકિર્દીમાંથી તે ઘટનાને દૂર કરવા માંગુ છું. આ ઘટનાને હું મારી યાદીમાંથી બદલવા માંગુ છું. જે બન્યું તે ખોટું હતું અને મે જે કર્યું તે મારે નહતું કરવું જોઈતું. મેં 200 વાર માફી માંગી. મને સૌથી ખરાબ વાત એ લાગી કે તે ઘટનાના વર્ષો પછી પણ, હું દરેક પ્રસંગે કે પ્લેટફોર્મ પર માફી માંગી રહ્યો છું."

