શા માટે ઉજવવામાં આવે છે National Sports Day? આજના દિવસે જ શરૂ કરવામાં આવી હતી ખેલો ઈન્ડિયા ચળવળ

ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day) ઉજવવામાં આવે છે. તે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણી માટે મનાવવામાં આવે છે. 2012માં તેને પહેલી વખત ઉત્સવના દિવસોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ દિવસે, શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ઘણા રાજ્યોમાં ઘણી રમતગમત સ્પર્ધાઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી વિવિધ રમતગમત યોજનાઓ શરૂ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ થાય છે.
2018માં આજના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઈન્ડિયા ચળવળ શરૂ કરી હતી. આજે (29 ઓગસ્ટ 2025) 'હોકી જાદુગર' મેજર ધ્યાનચંદની 120મી જન્મજયંતિ છે. 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં જન્મેલા ધ્યાનચંદની જન્મજયંતિ પર દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. આ દેશે રમતના ઘણા સુપરસ્ટાર જેમ કે સચિન તેંડુલકર, ધનરાજ પિલ્લઈ, બલબીર સિંહ સિનિયર જોયા છે, પરંતુ ભારતમાં રમતગમતને ટોચ પર પહોંચાડવામાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનું ખાસ યોગદાન છે.
બીજા વિશ્વયુદ્ધ પહેલા ભારતીય હોકી ટીમ વિશ્વ પર પ્રભુત્વ ધરાવતી હતી. આમાં ધ્યાનચંદનું ખાસ યોગદાન હતું. તેમણે 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલની હેટ્રિક પૂર્ણ કરી હતી. ભારતીય મેન્સ હોકી ટીમે ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ સહિત કુલ 13 મેડલ જીત્યા છે, પરંતુ 1936ના બર્લિન ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ ખૂબ જ ખાસ છે. 15 ઓગસ્ટ 1936ના રોજ જ ભારતે સરમુખત્યાર હિટલરની સામે ધ્યાનચંદના નેતૃત્વમાં જર્મનીને 8-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિટલર ધ્યાનચંદની રમતથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેમને નાગરિકતા આપવાનું પણ નક્કી કર્યું. પરંતુ ધ્યાનચંદ બિલકુલ ઢીલ ન કરી. 1936નું ઓલિમ્પિક તેમનું છેલ્લું ઓલિમ્પિક હતું.
કારકિર્દીમાં 400થી વધુ ગોલ
29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજ (તે સમયે અલ્હાબાદ) માં જન્મેલા, મેજર ધ્યાનચંદનો હોકીમાં વિશ્વમાં કોઈ મુકાબલો નહતો. તેમણે લગભગ 22 વર્ષ સુધી ભારત માટે હોકી રમી અને આ સમયગાળા દરમિયાન 400થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા. તેમણે સતત ત્રણ ઓલિમ્પિક (1928માં એમ્સ્ટરડેમ, 1932માં લોસ એન્જલસ અને 1936માં બર્લિન) માં એકલા હાથે ભારત માટે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. મેજર ધ્યાનચંદના પિતા સેનામાં હતા અને તેમના માટે હોકી રમતા હતા. ધ્યાનચંદ પણ માત્ર 16 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા. આ સમય દરમિયાન, તેમને પણ હોકી સાથે પ્રેમ થઈ ગયો. ધ્યાનચંદને વિશ્વના લગભગ 55 દેશોમાંથી 400થી વધુ પુરસ્કારો મળ્યા છે.
જ્યારે તેમણે હિટલરના પ્રસ્તાવને નકારી કાઢ્યો
આ વાર્તા 1936માં યોજાયેલી બર્લિન ઓલિમ્પિકની છે. જર્મની સામે રમાયેલી હોકી મેચમાં ભારતે 8-1થી શાનદાર જીત મેળવી હતી. મેચ પછી, જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ મેજર ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થયા હતા. મેચ પછી, હિટલર મેજર ધ્યાનચંદને મળ્યા અને તેમને તેમની સેનામાં ઉચ્ચ પદની ઓફર કરી. જોકે, તેમણે નમ્રતાપૂર્વક હિટલરની ઓફરનો ઈનકાર કર્યો. આ પગલા માટે તેમણે વિશ્વભરમાંથી પ્રશંસા મેળવી. ધ્યાનચંદનો ઈનકાર સાંભળીને હિટલર શાંતિથી સ્થળ છોડી ગયા. આ મુલાકાત થોડી મિનિટો સુધી ચાલી હશે પરંતુ તે દર્શાવે છે કે ધ્યાનચંદ માટે તેમના દેશથી ઉચ્ચ કોઈ પદ નથી.
ભારતીય મેન્સ હોકી ટીમે 1936માં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ ધ્યાનચંદ રાષ્ટ્રધ્વજ લહેરાતો ન જોઈને દુઃખી થયા હતા. હિટલરે મેડલ વિજેતાઓને પાર્ટી આપી હતી, પરંતુ ધ્યાનચંદ તેમાં નહતા ગયા. તેમની આંખોમાં આંસુ હતા. જ્યારે એક સાથી ખેલાડીએ તેમને પૂછ્યું કે આજે ટીમ જીતી ત્યારે તેઓ કેમ રડી રહ્યા છે, ત્યારે ધ્યાનચંદનો જવાબ હતો કે જો યુનિયન જેક (બ્રિટિશ ભારતનો ધ્વજ) ને બદલે તિરંગો હોત, તો તેઓ ખૂબ ખુશ થાત.
હોકી સ્ટીક પર બોલ ચોંટી જવાની વાર્તાઓ પ્રખ્યાત હતી
એવું માનવામાં આવે છે કે જ્યારે મેજર ધ્યાનચંદ હોકી રમતા હતા, ત્યારે એવું લાગતું હતું કે બોલ તેમની સ્ટીક પર ચોંટી જશે. આ આશંકા દૂર કરવા માટે, હોલેન્ડ (નેધરલેન્ડ) માં એક મેચ દરમિયાન, તેમની હોકી સ્ટીક તોડીને તપાસવામાં આવી હતી. આ બતાવે છે કે વિરોધીઓ તેમનાથી કેટલી હદે ડરતા હતા. એટલું જ નહીં, જાપાનમાં એક મેચ દરમિયાન, એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની સ્ટીક પર ગુંદર લાગ્વ્યું હતું. જોકે, આવું ક્યારેય સાબિત નહતું થયું. ધ્યાનચંદ પોતાના સિદ્ધાંતો અને નિયમો પર પણ ખૂબ જ મક્કમ હતા. એવું કહેવાય છે કે એક મેચમાં, સતત અનેક પ્રયાસો પછી પણ, ધ્યાનચંદ ગોલ કરવામાં નિષ્ફળ ગયા હતા. આ પહેલા તેમની સાથે ક્યારેય નહતું બન્યું. દર્શકો કે કોઈ પણ ખેલાડી ધ્યાનચંદની રમત પર શંકા નહતા કરતા. આખરે તેમણે રેફરીને ગોલ પોસ્ટની લંબાઈ અંગે ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ સાંભળીને બધાને આશ્ચર્ય થયું હતું. હોકીના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નહતું બન્યું. ધ્યાનચંદની ફરિયાદ પર જ્યારે ગોલ પોસ્ટને માપવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે ગોલ પોસ્ટ નિયમો કરતાં ટૂંકો હતો.

