VIDEO: IPL 2026 / શુભમન ગિલ કેટલી મેચ માટે બહાર રહેશે? ગુજરાત ટાઈટન્સના કોચે આપ્યું અપડેટ
શુભમન ગિલને શું થયું? તેની ઈજા કેવી છે અને તે IPL 2026માંથી કેટલો સમય બહાર રહેશે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે તેના અને ગુજરાત ટાઈટન્સ ફેન્સ ઉત્સુક હશે. હવે ગુજરાત ટાઈટન્સ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. ગુજરાત ટાઈટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે ગિલની ઈજા અંગે અપડેટ આપ્યું છે. શુભમન ગિલ ઈજાને કારણે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો. રાશિદ ખાને તેની જગ્યાએ ટીમનું નેતૃત્વ કર્યું.
રાશિદ ખાને શું કહ્યું?
ટોસ સમયે રાશિદ ખાને ગિલની ગેરહાજરીનું કારણ જણાવતા કહ્યું કે તેને સ્નાયુઓમાં ખેંચાણ આવી ગયું હતું, જેના કારણે તેતે મેચ ન રમી શક્યો. તેને આશા છે કે તે જલ્દી પાછો ફરશે. ગુજરાત ટાઈટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે પણ શુભમન ગિલના મેદાનમાં વહેલા પાછા ફરવાની આશા વ્યક્ત કરી.
ગિલ ટૂંક સમયમાં વાપસી કરશે તેવી અપેક્ષા - પાર્થિવ પટેલ
IPL 2026માં ગુજરાત ટાઈટન્સનો આગામી મુકાબલો 8 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે છે. પ્રશ્ન એ છે કે ગિલ ત્યાં સુધીમાં પાછો ફરશે કે થોડો વધુ સમય લાગશે? પાર્થિવ પટેલે આ બાબતે અપડેટ આપ્યું, પરંતુ તેણે ગિલની વાપસીની માત્ર આશા વ્યક્ત કરી છે. પાર્થિવે કહ્યું, "શુભમન છેલ્લા બે દિવસથી સ્નાયુઓમાં ખેંચાણથી પીડાઈ રહ્યો છે. અમને આશા છે કે તે આગામી મેચમાં રમવા માટે તૈયાર હશે. તે કંઈ ગંભીર નથી લાગતું." જોકે તેણે સ્વીકાર્યું કે ઈજાનું પ્રમાણ નક્કી કરવાનું તેનું કામ નથી, પરંતુ તે માને છે કે ગિલ ઠીક છે.
શુભમન ગિલ ઠીક છે, પરંતુ તે ક્યારે મેદાનમાં પાછો ફરશે તેનો કોઈ પાસે સ્પષ્ટ જવાબ નથી. ગુજરાત ટાઈટન્સ તેની વહેલી વાપસીની આશા રાખી રહ્યું છે, પરંતુ તે આગામી મેચમાં રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
ગિલની ઈજાનો ઈતિહાસ
છેલ્લા 18 મહિનામાં શુભમન ગિલ ચોથી વખત ઈજાગ્રસ્ત થયો છે. ઓક્ટોબર 2024માં તે નેક સ્ટિફનેસને કારણે ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ, નવેમ્બર 2024માં, ડાબા અંગૂઠામાં ઈજા થવાથી તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. નવેમ્બર 2025માં, તેને ગરદનમાં ઈજા થવાથી તે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. અને હવે સ્નાયુઓમાં ખેંચાણને કારણે તે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાંથી બહાર થયો હતો.

