IND vs SA / શું T20I સિરીઝમાં રમશે શુભમન ગિલ? હેડ કોચ ગૌતમ ગંભીરે આપ્યું અપડેટ

કોલકાતામાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે શુભમન ગિલને ગરદનમાં દુખાવો થયો હતો. આ પછીતે ટેસ્ટ અમે ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. હવે શુભમન ગિલની ફિટનેસ અંગેની અનિશ્ચિતતા આખરે સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે પુષ્ટિ આપી છે કે યુવા ઓપનર સંપૂર્ણપણે ફિટ છે અને 9 ડિસેમ્બરથી કટકમાં શરૂ થનારી સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20I સિરીઝ માટે ઉપલબ્ધ છે.
શુભમન ગિલની ઈજા પર અપડેટ
કોલકાતામાં પ્રથમ ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી અને તે મેચની બંને ઈનિંગ્સ તેમજ સિરીઝની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો હતો. તેને સમગ્ર ODI સિરીઝમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો, હવે તેને T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, BCCIએ જણાવ્યું હતું કે તેની ભાગીદારી અંતિમ ફિટનેસ ક્લિયરન્સ પર આધાર રાખશે.
સિલેક્ટર્સે તેની ફિટનેસ અંગે કોઈ સ્પષ્ટતા આપ્યા વિના ટીમની જાહેરાત કરી ત્યારે અટકળો વધી ગઈ. હવે, ગંભીરે બધી શંકાઓ દૂર કરી છે. વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામે ભારતની 2-1થી ODI સિરીઝ જીત બાદ ગંભીરે કહ્યું કે ગિલને પાછા ફરવાની મંજૂરી મળી ગઈ છે અને તે રમવા માટે તૈયાર છે.
કોચ ગંભીરે શું કહ્યું?
કોચ ગૌતમ ગંભીરે શુભમનની ઉપલબ્ધતા પર અપડેટ આપતા કહ્યું, "હા, શુભમન તૈયાર છે. તેથી જ તેની પસંદગી કરવામાં આવી છે. તે ફિટ, ઠીક છે અને રમવા માટે ખૂબ જ ઉત્સુક છે."
T20I સિરીઝ માટે ભારતની સ્કવોડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.

