રણજી ટ્રોફીમાં એક જ ટીમના 4 બેટ્સમેને ફટકારી સદી, પ્રથમ ઈનિંગમાં બનાવ્યો મોટો સ્કોર

રાજસ્થાન અને દિલ્હી વચ્ચે 2025-26 રણજી ટ્રોફી મેચ રાજસમંદના મદન પાલીવાલ મિરાજ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે રમાઈ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, રાજસ્થાને તેની શાનદાર બેટિંગને કારણે શરૂઆતના બંને દિવસોમાં પ્રભુત્વ મેળવ્યું. ટીમે 7 વિકેટે 570 રન પર પોતાની પહેલી ઈનિંગ ડિક્લેર કરી હતી. રાજસ્થાને 161 ઓવરમાં બેટિંગ કરી, જેમાં ચાર બેટ્સમેનની સદીનો સમાવેશ થાય છે.
રાજસ્થાનના ચાર બેટ્સમેનોએ સદી ફટકારી
દિલ્હી સામેની આ મેચમાં, રાજસ્થાને પોતાની પહેલી બે વિકેટ માત્ર 41 રનમાં ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ રાજસ્થાનનું બેટિંગ પ્રદર્શન શાનદાર રહ્યું રહ્યું. સચિન યાદવ અને વિકેટકીપર કુણાલ સિંહ રાઠોડે ત્રીજી વિકેટ માટે 217 રનની દમદાર પાર્ટનરશિપ કરી. સચિન યાદવે 257 બોલમાં 130 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન, કુણાલ સિંહ રાઠોડે પણ 198 બોલમાં 102 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
આ બે ખેલાડીઓ પછી, કેપ્ટન મહિપાલ લોમરોરે પણ સદી ફટકારી. મહિપાલે 229 બોલમાં અણનમ 128 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ત્રણ ખેલાડીઓ ઉપરાંત, કાર્તિક શર્મા પણ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
કાર્તિક શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમી
રાજસ્થાન માટે આઠમા નંબરે બેટિંગ કરતા કાર્તિક શર્માએ વિસ્ફોટક સદી ફટકારી. તેણે 154 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને 120 રન બનાવ્યા. આ 4 ખેલાડીઓની સદીઓને કારણે, રાજસ્થાન પ્રથમ ઈનિંગમાં 570 રનનો વિશાળ સ્કોર નોંધાવવામાં સફળ રહ્યું. દિલ્હી માટે, સિમરજીત સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે નવદીપ સૈનીએ 2 વિકેટ લીધી. સિદ્ધાંત શર્મા અને સુમિત માથુરે 1-1વિકેટ લીધી હતી.

