ભૂતપૂર્વ મેચ રેફરીએ BCCI પર લગાવ્યા મોટા આરોપો, સૌરવ ગાંગુલી વિશે કર્યો આ ખુલાસો

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20I સિરીઝ રમવા માટે ઉત્સુક છે. આ સિરીઝ 29 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ભૂતપૂર્વ મેચ રેફરીએ ટીમ ઈન્ડિયા અને BCCI પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી વિશે પણ એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
ક્રિસ બ્રોડે શું ખુલાસો કર્યો?
ICCના ભૂતપૂર્વ મેચ રેફરી ક્રિસ બ્રોડે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે મેચ રેફરી તરીકેના તેના કાર્યકાળ દરમિયાન, તેને એક ફોન આવ્યો હતો જેમાં તેને ઢીલું વલણ રાખવા દાખવવા અને ભારત સામે સ્લો ઓવર રેટનો દંડ ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેણે એ જાહેર નથી કર્યું નથી કે તેને કોણે ફોન કર્યો હતો. ક્રિસ બ્રોડને યાદ નથી કે તે કઈ મેચ હતી અથવા તે મેચમાં કઈ ટીમ ભારત સામે રમી રહી હતી.
એક મુલાકાતમાં, ક્રિસ બ્રોડે જણાવ્યું, "ભારત મેચના અંતે ત્રણ કે ચાર ઓવર પાછળ હતું, તેથી દંડ જરૂરી હતો. મને એક ફોન આવ્યો કે, 'ઢીલું વલણ રાખો, થોડો સમય લો કારણ કે તે ભારત છે.' તેથી અમારે થોડો સમય કાઢવો પડ્યો અને ઓવર-રેટને નિર્ધારિત મર્યાદાથી નીચે લઈ જવી પડી." ભૂતપૂર્વ મેચ રેફરીએ આગળ જણાવ્યું, "પછીની મેચમાં પણ આવું જ બન્યું. તત્કાલીન ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી મારી વાત સાંભળવા તૈયાર નહતા, તેથી મેં ફોન કરીને પૂછ્યું, 'તમે હવે મારી પાસે શું કરાવવા માંગો છો?' મને કહેવામાં આવ્યું, બસ તેમની સાથે આવું જ કરો."
2024માં લીધી હતી નિવૃત્ત
ક્રિસ બ્રોડે વધુમાં કહ્યું, "મને લાગે છે કે વિન્સ વાન ડેર બિજલ (ICC અમ્પાયર મેનેજર) જ્યારે આ પદ પર હતા ત્યારે અમને તેમનો ટેકો હતો કારણ કે તેઓ ક્રિકેટ બેકગ્રાઉન્ડમાંથી હતા. પરંતુ તેમના ગયા પછી, મેનેજમેન્ટ ખૂબ જ નબળું પડી ગયું. ભારતને બધા પૈસા મળી ગયા અને હવે તેણે ઘણી રીતે ICC પર કબજો કરી લીધો છે."
તેણે આગળ કહ્યું, "મને ખુશી છે કે હું હવે આ પદ પર નથી, કારણ કે તે પહેલા કરતા ઘણી વધુ રાજનીતિક પદ છે." ક્રિસ બ્રોડે 123 ટેસ્ટ, 361 ODI અને 138 T20Iમાં મેચ રેફરી તરીકે કામ કર્યું છે. તેણે ફેબ્રુઆરી 2024માં આ પદ પરથી નિવૃત્ત લીધી હતી.

