Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Former cricketer bashes on Ajit Agarkar for not selecting Mohammed Shami

'શું તે બુમરાહ સાથે પણ આવું...', મોહમ્મદ શમીની અવગણના થતા અજીત અગરકર પર ભડક્યો પૂર્વ ક્રિકેટર

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
'શું તે બુમરાહ સાથે પણ આવું...', મોહમ્મદ શમીની અવગણના થતા અજીત અગરકર પર ભડક્યો પૂર્વ ક્રિકેટર
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવાના નિર્ણય પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેણે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર દ્વારા આપવામાં આવેલી ફિટનેસની દલીલને સંપૂર્ણપણે ‘બકવાસ’ ગણાવીને ફગાવી દીધી છે. જાફરે પસંદગી સમિતિના માપદંડોની આકરી આલોચના કરતા સવાલ કર્યો હતો કે, જો આવો જ માપદંડ રાખવામાં આવતો હોય, તો શું જસપ્રીત બુમરાહ સાથે પણ ભવિષ્યમાં આવું જ વર્તન કરવામાં આવશે?

App Store

અજીત અગરકરે આપી હતી ફિટનેસની દલીલ

ભારતીય ટીમની જાહેરાત કરતી વખતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મીડિયા સમક્ષ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ ન કરવાનું કારણ સ્પષ્ટ કર્યું હતું. અગરકરે જણાવ્યું હતું કે, "શમી હાલમાં ટૂંકા ફોર્મેટ એટલે કે T20 ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ ફિટ છે, પરંતુ લાંબા ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ માટે તેની ફિટનેસને લઈને હજુ પણ સવાલો છે. તેનું શરીર હાલ ટેસ્ટ મેચનો આકરો ભાર સહન કરવા માટે સક્ષમ નથી. તેથી તેના શરીર પર વધુ ભાર નાખવો યોગ્ય રહેશે નહીં."

અગરકર બકવાસ કરે છે: વસીમ જાફર

આ વિશે વસિમ જાફરે તેના યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે "અગરકરે કહ્યું એ બકવાસ છે. આપણે અહીં મોહમ્મદ શમી વિશે વાત કરી રહ્યા છીએ કોઈ એવા-તેવા બોલર વિશે નહીં. શમી સારું પર્ફોર્મ કરી રહ્યો છે અને તમે કહો છો કે તે ફક્ત T20 માટે ફિટ છે? આ તો એક બહાનું છે. તમે એમ કહેત કે શમીને અમે નંજરઅંદાજ કર્યો છે તો એ એક સાચું કારણ હોત. શમી તેની બોલિંગના કારણે રણજી ટ્રોફીમાં પોતાના દમ પર બંગાળને સેમીફાઇનલમાં પહોંચાડીને આવ્યો છે."

‘જો આવી સ્થિતિ હોય તો શું બુમરાહને પણ બહાર રાખશો?’

વસીમ જાફરને મુખ્ય પસંદગીકારની આ દલીલ બિલકુલ ગળે ઉતરી ન હતી. સોશિયલ મીડિયા પર અને ક્રિકેટ વિશ્લેષણ દરમિયાન પોતાનો પક્ષ રાખતા જાફરે કહ્યું કે, "જો કોઈ ખેલાડી સંપૂર્ણ રીતે અનફિટ હોય, તો તે T20 ક્રિકેટ પણ કેવી રીતે રમી શકે? આ દલીલ પાછળ કોઈ તર્ક જ નથી. જો જસપ્રીત બુમરાહ આવી સ્થિતિમાં આવી જાય, તો શું તમે તેની સાથે પણ આવું જ વર્તન કરશો? શું તેને પણ ટીમની બહાર બેસાડી રાખશો? મને લાગે છે કે આ દલીલ તદ્દન પાયાવિહોણી છે. જો બુમરાહને ઈજા થાય તો ત્યારબાદ તે ટીમમાં પરત ફરશે? મોહમ્મદ શમી પણ બુમરાહની કેટેગરીમાં આવે છે. કોઈપણ ઈન્ટરનેશનલ બેટ્સમેનને પૂછો તો તેઓ શમીને પણ ટોપ પર રાખશે. શમીએ ભારત માટે જે પણ કર્યું છે એની સામે આ તેનું અપમાન છે."

તેણે વધુમાં ઉમેર્યું કે, મોહમ્મદ શમી જેવા અત્યંત અનુભવી અને મેચ-વિનર બોલરની આ પ્રકારે સતત અવગણના કરવી યોગ્ય નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે ભારતીય બોલિંગ આક્રમણને એક અનુભવી ફાસ્ટ બોલરની સખત જરૂર છે.

લાંબા સમયથી ઈજા સામે સંઘર્ષ

મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ઈજાની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ODI વર્લ્ડ કપ બાદ તેણે પગની સર્જરી કરાવી હતી, જેના કારણે તે લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. જોકે, હવે તે ધીમે-ધીમે સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. શમી હાલમાં IPL અને ઘરેલુ ક્રિકેટ મેચોમાં રમીને પોતાની ફિટનેસ સાબિત કરવાનો સખત પ્રયાસ કરી રહ્યો છે, તેમ છતાં પસંદગી સમિતિએ હજુ સુધી તેને ટેસ્ટ ટીમમાં વાપસીની તક નથી આપી.

પસંદગીકારોના નિર્ણયથી ક્રિકેટ ફેન્સ પણ નારાજ

મોહમ્મદ શમી જેવા દિગ્ગજ બોલરની અવગણના થતાં જ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સે પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે. અસંખ્ય ફેન્સે પસંદગી સમિતિના આ વિવાદાસ્પદ નિર્ણય સામે સવાલો ઉઠાવીને શમીને તાત્કાલિક ટેસ્ટ ટીમમાં સામેલ કરવાની માંગ કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પડકારજનક ટેસ્ટ સિરીઝ રમવાની છે, તેવી સ્થિતિમાં શમી જેવા અનુભવી બોલરની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે.