VIDEO: હાર્દિક પંડ્યાએ કોલકાતા સામેની મેચમાં તોડ્યો નિયમ, BCCIએ આ ભૂલ માટે ફટકાર્યો દંડ
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એકવાર ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે ચર્ચા તેના કોઈ શાનદાર પ્રદર્શનના કારણે નહીં પણ મેદાન પર દેખાડેલી નારાજગીના કારણે થઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં અમ્પાયરના નિર્ણય અથવા પોતાના પ્રદર્શનથી નારાજ દેખાયેલા હાર્દિક પંડ્યા પર IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરી દેવામાં આવ્યો છે.
આખરે મેદાન પર શું બન્યું હતું?
આ સમગ્ર ઘટના બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન હાર્દિક પંડ્યા પોતાની બોલિંગમાં યોગ્ય લય પકડી નહતો શકતો અને રન રોકવામાં નિષ્ફળ જઈ રહ્યો હતો. આ જ નિરાશા અને ગુસ્સામાં જ્યારે તે પોતાના રન-અપ તરફ પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેણે વિકેટ પર લાગેલી બેલ્સને જોરથી નીચે પાડી દીધી હતી. હાર્દિકની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન
IPL દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યાએ IPL કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.2નું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ મેચ દરમિયાન ક્રિકેટના સાધનો, કપડા, ગ્રાઉન્ડ ઈક્વિપમેન્ટ અથવા અન્ય ફિટિંગ્સના દુરુપયોગ સાથે જોડાયેલો છે. હાર્દિકની આ ભૂલને લેવલ-1નો અપરાધ માનવામાં આવ્યો છે. જોકે, હાર્દિક પંડ્યાએ પોતે કરેલી આ ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે આ મામલે આગળ કોઈ સુનાવણીની જરૂર પડી નથી.
મુંબઈ ઈન્ડિયન્સ માટે મુશ્કેલ સમય
જો મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 147 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 6 વિકેટ ગુમાવીને 7 બોલ બાકી હતા ત્યારે જ આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગમાં માત્ર બે ઓવર નાખી હતી, જેમાં તેણે 13 રન આપ્યા પરંતુ તે એકપણ વિકેટ લેવામાં સફળ નહતો રહ્યો. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ચૂકી છે, જ્યારે KKRએ આ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા વધુ મજબૂત કરી લીધી છે.
IPLમાં ખેલાડીઓ મેદાન પર શિસ્ત જાળવી રાખે તે માટે વહીવટીતંત્ર સતત કડક વલણ અપનાવી રહ્યું છે. અગાઉ પણ મેદાન પર આક્રમક વર્તન કે સાધનોને નુકસાન પહોંચાડવા બદલ કેટલાય ખેલાડીઓને દંડ આપવામાં આવ્યો છે અને હાર્દિક પંડ્યા પર લાગેલો આ દંડ પણ તે જ કડક શિસ્તના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.

