VIDEO: મુંબઈ ઈન્ડિયન્સ છોડીને હવે આ ટીમમાંથી રમશે હાર્દિક પંડ્યા? પૂર્વ કેપ્ટને આપ્યો 'સ્વેપ ડીલ' પ્લાન
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ભવિષ્યમાં કઈ ટીમ તરફથી રમશે તેને લઈને ક્રિકેટ જગતમાં અટકળો તેજ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને હાર્દિક પંડ્યા અને કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ (અદલાબદલી) નો અનોખો આઇડિયા આપ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની ખરાબ સફર
હાર્દિક પંડ્યા વર્ષ 2024માં જ્યારે ગુજરાત ટાઈટન્સ (GT) ની કેપ્ટનશિપ છોડીને બીજી વખત મુંબઈ ઇન્ડિયન્સ (MI) સાથે જોડાયો, ત્યારે ફેન્સને મોટી આશા હતી. જોકે, ત્યારથી લઈને અત્યાર સુધી (છેલ્લી 3 સિઝનમાં) મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર એક જ વાર પ્લેઓફમાં પહોંચી શકી છે, જ્યારે એક વખત પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે રહી છે. ચાલુ IPL 2026માં પણ મુંબઈનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે, જેના કારણે હવે હાર્દિકને કેપ્ટનશિપ પરથી હટાવવા માટે જ નહીં, પરંતુ ટીમમાંથી જ રિલીઝ કરવાની માંગ જોર પકડી રહી છે.
માઈકલ વોનનો ચોંકાવનારો 'સ્વેપ ડીલ' પ્લાન
આ વિવાદ વચ્ચે પ્રખ્યાત ક્રિકેટ વેબસાઈટ સાથે વાતચીત કરતી વખતે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને હાર્દિક પંડ્યા અંગે પૂછાયેલા પ્રશ્ન પર સીધું જ કહી દીધું કે, "તેને રિલીઝ કરી દો." પરંતુ ત્યારબાદ તેણે એક ખૂબ જ રસપ્રદ સોદો સૂચવ્યો હતો. વોને કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાના બદલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના 25.20 કરોડના મોંઘા ખેલાડી કેમેરોન ગ્રીન સાથે ટ્રેડ (અદલાબદલી) કરી લેવો જોઈએ.
બંને ટીમોને કેવી રીતે થશે ફાયદો?
ક્રિકેટ વિશ્લેષકોના મતે હાર્દિક પંડ્યા અને કેમેરોન ગ્રીન બંને એક જ પ્રોફાઈલ (ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર) ના ખેલાડીઓ છે. જો આ સ્વેપ ડીલ થાય છે તો...
KKRને ફાયદો: કોલકાતા નાઈટ રાઈડર્સને હાર્દિક પંડ્યાના રૂપમાં એક નવો, અનુભવી અને ભારતીય કેપ્ટન મળી જશે.
MIને ફાયદો: કેમેરોન ગ્રીન ગ્રીન મુંબઈમાં પાછો આવવાથી ટીમની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત થશે અને ટીમને જૂનું સંતુલન પાછું મળશે.
"ગુજરાત છોડવાનો નિર્ણય સમજાતો નથી"
માઈકલ વોને વધુમાં ઉમેર્યું કે, હાર્દિકે જ્યારે ગુજરાત ટાઈટન્સને સતત બે વાર ફાઈનલમાં પહોંચાડીને એક વાર ટાઈટલ જીતાડ્યું હતું, ત્યારે તે સફળ ફ્રેન્ચાઈઝી છોડીને મુંબઈ કેમ આવ્યો તે લોજિક તેને ક્યારેય સમજાયું નથી. વોને કટાક્ષ કરતા કહ્યું કે, "મેં ઘણું જોઈ લીધું છે. મુંબઈ ઈન્ડિયન્સના કિચનમાં અત્યારે ઘણા બધા 'શેફ' (ઘણા બધા સ્ટાર ખેલાડીઓ અને લીડર્સ) ભેગા થઈ ગયા છે. જો હાર્દિકે કેપ્ટન તરીકે જ રહેવું હોય, તો તેણે એવી નવી ટીમમાં જવું જોઈએ જેને કેપ્ટનની જરૂર હોય, જેમ કે KKR."

