ODI વર્લ્ડ કપ નહીં રમે પૂર્વ કેપ્ટન રોહિત શર્મા? હાર્દિક પંડ્યાને લઈને પણ છે અસમંજસ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી ICC ODI વર્લ્ડ કપમાં રમશે કે નહીં, તે અંગે મોટા સવાલો ઊભા થયા છે. આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે પસંદગીકારો જ્યારે રોડમેપ તૈયાર કરી રહ્યા હતા, ત્યારે આ બંને સિનિયર ખેલાડીઓની ફિટનેસને લઈને ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. જોકે, ફિટનેસના આધારે જ બંનેની અફઘાનિસ્તાન સામેની ત્રણ ODI મેચની સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે, પરંતુ એક રિપોર્ટ અનુસાર BCCI તેમના ભવિષ્યને લઈને અત્યંત ચિંતિત છે.
રોહિતની ફિટનેસ પર સવાલ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પસંદગીકારો, ટીમ મેનેજમેન્ટ અને BCCI આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન યોજાનારા વર્લ્ડ કપ સુધી રોહિત શર્મા સંપૂર્ણ ફિટ રહી શકશે કે નહીં તે અંગે ચિંતામાં છે. તાજેતરમાં હેમસ્ટ્રિંગની ઈજાના કારણે રોહિત IPLમાં ત્રણ અઠવાડિયા સુધી નહતો રમી શક્યો, જેના પગલે પસંદગીકારોએ તેની ફિટનેસનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
BCCIના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, "ઈજાના એ ત્રણ અઠવાડિયા દરમિયાન રોહિત શર્માએ BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' માં રિપોર્ટ નહતો કર્યો. તેનું વજન ચોક્કસપણે ઉતર્યું છે, પરંતુ તેનું શરીર હાઈ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સનો આકરો ભાર સહન કરી શકશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. ODI ક્રિકેટમાં ખેલાડીએ પૂરી 50 ઓવર ફિલ્ડિંગ કરવી પડે છે અને આમાં IPLની જેમ 'ઈમ્પેક્ટ પ્લેયર'નો કોઈ વિકલ્પ નથી હોતો. તમારી ઉંમર જ્યારે 40 વર્ષની નજીક પહોંચે છે, ત્યારે શરીરને ઈજામાંથી બહાર આવવામાં વધુ સમય લાગે છે."
હાર્દિક પંડ્યાની બોલિંગ અંગે અસમંજસ
બીજી તરફ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ક્ષમતાને લઈને પણ મેનેજમેન્ટ ચિંતિત છે. પસંદગીકારોને ચિંતા છે કે હાર્દિક ODI મેચોમાં પૂરી તાકાત સાથે 10 ઓવર બોલિંગ કરી શકશે કે નહીં. સૂત્રના જણાવ્યા અનુસાર, પસંદગી સમિતિની બેઠકના 48 કલાક અગાઉ સુધી હાર્દિકની ફિટનેસ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નહતી. 2 મે પછી તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો નથી. ચેન્નાઈમાં યોજાયેલી મેચ બાદ તેણે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. હાલમાં તે રિલાયન્સ ફેસિલીટી અને વાનખેડે સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરી રહ્યો હોવાના અહેવાલ છે. તે ટીમમાં પરત તો ફર્યો છે, પરંતુ તેણે ફિટનેસ સાબિત કરવા માટે શું કરવું પડશે તે હજુ સ્પષ્ટ નથી.
નવા ઓપનરની તૈયારી શરૂ
વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે વધુ ODI મેચો રમવાની તક નથી. બીજી તરફ યશસ્વી જયસ્વાલને પણ ODIમાં પૂરતી મેચો નથી મળી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈશાન કિશનની ટીમમાં પસંદગી કરવામાં આવી છે જેથી જરૂર પડ્યે તે ઓપનરની ભૂમિકા ભજવી શકે. BCCIનું માનવું છે કે, જો રોહિત શર્મા વર્લ્ડ કપ સુધી ફિટ ન થઈ શકે અથવા શુભમન ગિલ કે જયસ્વાલમાંથી કોઈ ઈજાગ્રસ્ત થાય, તો ટીમ પાસે બેકઅપ તરીકે એક મજબૂત ઓપનર તૈયાર હોવો અનિવાર્ય છે.

