VIDEO: FIFA 2026 / 19 વર્ષ પહેલાં ગોદમાં રમાડ્યો, હવે વર્લ્ડ કપ ફાઈનલમાં સામે! મેસ્સી-યમાલની અનોખી કહાની
ફિફા વર્લ્ડ કપ 2026નો ફાઈનલ મુકાબલો માત્ર આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની જંગ નથી, પરંતુ ફૂટબોલ ઈતિહાસની બે અલગ-અલગ પેઢીઓના મિલનની એક અદ્ભુત અને ભાવુક વાર્તા છે. રવિવારે ન્યૂજર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપ ફાઈનલ રમાશે, ત્યારે એક તરફ 39 વર્ષના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી હશે અને બીજી તરફ 19 વર્ષનો યુવા સ્ટાર લામિન યમાલ. આ બંને ખેલાડીઓ વચ્ચે 19 વર્ષ જૂનો એક એવો કિસ્સો જોડાયેલો છે, જેના પર ફિલ્મી સ્ક્રિપ્ટની જેમ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
જ્યારે 20 વર્ષના મેસ્સીએ 5 મહિનાના યમાલને ટબમાં નવડાવ્યો હતો
આ કહાની ડિસેમ્બર 2007માં શરૂ થઈ હતી. તે સમયે લિયોનેલ મેસ્સી 20 વર્ષનો હતો અને બાર્સિલોના ક્લબ માટે રમીને એક ઉભરતા સિતારા તરીકે નામના મેળવી રહ્યો હતો. સ્પેનિશ અખબાર ‘ડિયારિયો સ્પોર્ટ’ અને યુનિસેફ (UNICEF) ના એક ચેરિટી કેલેન્ડર ફોટોશૂટ માટે મેસ્સીએ એક સ્થાનિક પરિવારના 5 મહિનાના બાળક સાથે તસવીરો ખેંચાવવાની હતી. એ માસૂમ બાળક બીજું કોઈ નહીં પણ લામિન યમાલ હતો.
મેસ્સી ખૂબ જ શરમાળ હતો
ફોટોગ્રાફર જોઆન મોનફોર્ટના જણાવ્યા મુજબ, તે સમયે મેસ્સી ખૂબ જ શરમાળ હતો અને તેને સમજાતું નહોતું કે આટલા નાના બાળકને કેવી રીતે સંભાળવો. એક વાદળી પ્લાસ્ટિકના ટબમાં બેઠેલા યમાલને મેસ્સીએ પોતાની ગોદમાં લીધો હતો. તે સમયે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે મેસ્સીની ગોદમાં રમનારું આ બાળક એક દિવસ વર્લ્ડ કપ ફાઈનલમાં તેની સામે જ પ્રતિદ્વંદ્વી બનીને મેદાન પર ઉતરશે. વર્ષ 2024માં યમાલના પિતાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે તે ભારે વાયરલ થઈ હતી.
લા માસિયા એકેડેમીની બે પેઢીઓ આમને-સામને
મેસ્સી અને યમાલ વચ્ચે માત્ર આ વાયરલ ફોટોનો જ સંબંધ નથી, પરંતુ બંનેની ફૂટબોલ સફર પણ બાર્સિલોનાની વિશ્વપ્રસિદ્ધ ‘લા માસિયા એકેડેમી’ માંથી શરૂ થઈ છે. આ એકેડેમીમાં જ મેસ્સીએ પોતાના ખેલને નિખાર્યો હતો અને વર્ષો પછી યમાલ પણ આ જ એકેડેમીમાંથી તૈયાર થઈને ફૂટબોલની દુનિયાનો નવો સિતારો બન્યો છે. તેથી આ મેચને બાર્સિલોનાની ફૂટબોલ વિરાસતની બે પેઢીઓ વચ્ચેની લડાઈ પણ માનવામાં આવી રહી છે.
ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સી સૌથી આગળ
39 વર્ષની ઉંમરે પણ મેસ્સીએ સાબિત કર્યું છે કે તેની રમતમાં હજુ પણ એ જ જાદુ અકબંધ છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં પોતાના 2 શાનદાર આસિસ્ટના દમ પર આર્જેન્ટિનાને 2-1થી જીત અપાવીને તેણે ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. આ વર્લ્ડ કપમાં મેસ્સી 7 મેચોમાં 8 ગોલ અને 4 આસિસ્ટ સાથે ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ તે વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ 21 ગોલ અને 12 આસિસ્ટનો ઓલ-ટાઇમ રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યો છે.
કિસ્મતની અનોખી સ્ક્રિપ્ટ
ફૂટબોલના ઈતિહાસમાં પેલે અને મેરાડોના ક્યારેય આમને-સામને નથી રમી શક્યા. મેરાડોના અને મેસ્સી વચ્ચે પણ ક્યારેય મેચ નથી થઈ. પરંતુ કિસ્મતે મેસ્સી અને યમાલ માટે અલગ જ કહાની લખી છે. એક તરફ મેસ્સી પોતાના શાનદાર કરિયરમાં વધુ એક વર્લ્ડ કપ ટ્રોફી ઉમેરવા માંગશે, તો બીજી તરફ લામિન યમાલ પોતાના કરિયરની શરૂઆતમાં જ વિશ્વનું સૌથી મોટું ટાઈટલ જીતીને નવી પેઢીના સુપરસ્ટાર બનવાનું સપનું પૂરું કરવા મેદાન પર ઉતરશે.

