VIDEO: FIFA 2026 / મેક્સિકોની ઐતિહાસિક જીતની ઉજવણી માતમમાં ફેરવાઈ, ભારે ભીડ વચ્ચે 4 ફૂટબોલ ફેન્સે ગુમાવ્યા જીવ
ફિફા વર્લ્ડ કપ 2026માં ઇક્વાડોર સામે મેક્સિકોની શાનદાર જીત બાદ દેશભરમાં શરૂ થયેલો જશ્ન તે સમયે માતમમાં ફેરવાઈ ગયો જ્યારે મેક્સિકો સિટીમાં ભારે ભીડ વચ્ચે ગૂંગળામણ થવાથી 4 ફૂટબોલ ફેન્સે પોતાના જીવ ગુમાવ્યા. મેક્સિકોની ટીમે ઇક્વાડોરને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પોતાની જગ્યા પાકી કરી લીધી હતી. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો અને હજારોની સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ રાજધાની મેક્સિકો સિટીમાં સર્જાયેલી અરાજકતા અને ભારે ભીડના કારણે આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં.
વિજય ઉત્સવમાં ઉમટી પડી હજારોની મેદની
મેક્સિકોની જીતનો વ્હીસલ વાગતાની સાથે જ રાજધાનીના ડાઉનટાઉન વિસ્તારમાં લોકોના ટોળેટોળા જમા થવા લાગ્યા હતા. હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને ચાહકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને મોડી રાત સુધી સેલિબ્રેશન ચાલ્યું હતું. શહેરના પ્રખ્યાત 'એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ' સ્મારક પાસે પણ હજારો પ્રશંસકો એકઠા થયા હતા. આ અતિશય ભીડ વચ્ચે જ 4 લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
તંત્ર દ્વારા 4 લોકોના મોતની પુષ્ટિ
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 2 મહિલાઓ અને 2 પુરુષનું મોત નીપજ્યું છે. મૃતકોની ઉંમર 48, 44, 30 અને 19 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય પીડિતો રસ્તા પર અલગ-અલગ જગ્યાએ બેભાન હાલતમાં પડ્યા હતા અને એક પુરુષને હોસ્પિટલમાં લઈ જતી વખતે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી મેડિકલ ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તેમને બચાવી શકાયા નહોતા.
મેયરે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી
મેક્સિકો સિટીના મેયર ક્લેરા બ્રુગાડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ દુઃખદ ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રશાસન અને મેડિકલ ટીમોએ સ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં લીધા હતા, પરંતુ 4 નાગરિકોના જીવ બચાવી શકાયા નથી જે અત્યંત ખેદજનક છે. મેયરે નાગરિકોને ભાવુક અપીલ કરતા કહ્યું કે, કોઈપણ જીત કે ખુશીની ઉજવણી કરતી વખતે સાવધાની રાખવી અને જવાબદારીપૂર્વક વર્તવું અત્યંત જરૂરી છે.
5 કિલોમીટર સુધી લાંબો જશ્ન
મેક્સિકો-ઇક્વાડોર મેચ પૂરી થયા બાદ સમગ્ર રાજધાનીમાં ફટાકડા ફોડીને અને રોશની કરીને ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. હજારો મેક્સિકન ફેન્સ ઝોકાલોથી લઈને ચાપુલ્ટેપેક પાર્ક સુધી ફેલાયેલા 'પાસેઓ દે લા રિફોર્મા' માર્ગ પર એકત્રિત થઈ ગયા હતા. આશરે 5 કિલોમીટર લાંબા આ રૂટ પર ચારેય તરફ માત્ર માનવ મહેરામણ જ દેખાતો હતો.
ભીડભાડમાં સુરક્ષા અને સંયમ અનિવાર્ય
ફૂટબોલ જેવી વૈશ્વિક અને મોટી ટુર્નામેન્ટમાં પ્રશંસકોનો આવો ઉન્માદ અવારનવાર જોવા મળતો હોય છે. પરંતુ આવી વિશાળ ભીડમાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્ત્વનું છે. અતિશય ભીડ, ગરમી અને રસ્તાઓ પર લાંબો સમય વિતાવવાના કારણે ઓક્સિજનની કમી અથવા ગૂંગળામણ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વિજયના ઉત્સાહમાં પણ સુરક્ષા પ્રત્યેની સહેજ પણ બેદરકારી મોટી આફત નોતરી શકે છે.

