ભારતીય ટીમની હોકી વર્લ્ડ કપ 2026ની સફરનો અંત, આર્જેન્ટિના 5-3થી જીત્યું

ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપ 2026માં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. 24 ઓગસ્ટે રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3થી હરાવ્યું. ભારત અગાઉ નેધરલેન્ડ્સ સામે હારી ગયું હતું. જોકે, આર્જેન્ટિના સામે હાર્યા બાદ હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની સફરનો અંત આવ્યો છે. ભારતીય ટીમનું વિશ્વ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. આર્જેન્ટિના સામેની હારથી ભારતીય ફેન્સને પણ મોટો ફટકો પડ્યો છે.
ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન
આર્જેન્ટિના સામે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. આર્જેન્ટિનાએ 40મી સેકન્ડમાં પહેલો ગોલ કર્યો. આ ગોલ ટોસ્કાનીએ કર્યો. ત્યારબાદ, 7મી મિનિટે, નિકોલસ ડેલા ટોરીએ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને આર્જેન્ટિનાને 2-0 ની લીડ અપાવી.
ત્યારબાદ ભારતીય ટીમે 10મી મિનિટે ગોલ કરીને વાપસી કરી. સુખજીત સિંહના ગોલથી ભારતીય ટીમનું મનોબળ વધ્યું. જોકે, આ ગોલ પછી પણ ભારતીય ટીમ આર્જેન્ટિના પર લાંબા સમય સુધી દબાણ ન જાળવી શકી. ભારતીય ટીમનું ડિફેન્સ ઘણું નબળું લાગ્યું. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં, ભારતીય ટીમે બોલ પોતાના કબજામાં રાખ્યો પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.
ભારતે 34મી મિનિટે ચાર પેનલ્ટી કોર્નર મેળવ્યા, પરંતુ કેપ્ટન હરમપ્રીત કૌર એક પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો. આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સે ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું. ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં, આર્જેન્ટિનાના ખેલાડી ડોમેને શાનદાર પ્રદર્શન કર્યું, બોલ પોતાના કબજામાં રાખ્યો. આ સમયગાળા દરમિયાન ભારતીય ગોલકીપર મોહિતે પણ અનેક બચાવ કર્યા. ત્યારબાદ, યશદીપના ફાઉલથી આર્જેન્ટિનાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને ડોમેને સરળતાથી ગોલ કર્યો. ભારતે અંતિમ ક્વાર્ટરમાં બે ગોલ કર્યા, પરંતુ તે મેચ જીતવા માટે પૂરતા નહતા. અંતે, આર્જેન્ટિનાએ ભારતને 5-3થી હરાવ્યું, જેનાથી તેઓ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા.
નેધરલેન્ડ્સ દ્વારા કારમી હાર
આર્જેન્ટિના પહેલા, ભારતીય ટીમનો સામનો નેધરલેન્ડ્સ સામે થયો. નેધરલેન્ડ્સે ભારતને 3-1થી હરાવ્યું. ભારત પહેલા રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે પણ હારી ગયું હતું અને ભારતીય ટીમને પ્લેઓફ માટે કોઈ પોઈન્ટ નહતો મળ્યો. પરિણામે, બીજા રાઉન્ડમાં પોઈન્ટના અભાવે ભારતીય ટીમની હોકી વર્લ્ડ કપ 2026માંથી સફરનો અંત આવ્યો.

