શું ડેવિડ મિલરે ખરેખર T20માંથી લઈ લીધી છે નિવૃત્તિ? ખેલાડીએ પોતે આપ્યું અપડેટ
ICC T20 વર્લ્ડ કપ 2024માં સાઉથ આફ્રિકાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આખા વર્લ્ડ કપમાં ટ

ICC T20 વર્લ્ડ કપ 2024માં સાઉથ આફ્રિકાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આખા વર્લ્ડ કપમાં ટીમ એક પણ મેચ હારી નથી. પરંતુ ફાઈનલમાં ભારત સામે 7 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ફરી એકવાર વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહેતાં આફ્રિકન ખેલાડીઓનું દિલ તૂટી ગયું હતું. તેમના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. તેમાંથી એક અનુભવી અને વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર હતો. ફાઈનલમાં પરાજય બાદ મિલરને કેટલું દુઃખ થયું હતું તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જોકે, T20 વર્લ્ડ કપ પૂરો થયા બાદ અચાનક જ ડેવિડ મિલરના T20 ફોર્મેટમાંથી નિવૃત્તિના સમાચાર આવવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડ કપ બાદ મિલરે T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જો કે આ સમગ્ર મામલે ખુદ ડેવિડ મિલરે નિવેદન આપ્યું છે.
ડેવિડ મિલરે નિવૃત્તિ નથી લીધી
મીડિયાના અહેવાલોને ખોટા સાબિત કરતા સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. સ્ટોરીમાં તેણે લખ્યું, 'કેટલાક અહેવાલોથી વિપરીત, મેં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. હું સાઉથ આફ્રિકા માટે ઉપલબ્ધ રહીશ. બેસ્ટ હજુ આવવાનું બાકી છે.' તમને જણાવી દઈએ કે ડેવિડ મિલરની પાસે સાઉથ આફ્રિકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સારી તક હતી.
છેલ્લી ઓવરમાં જ્યારે આફ્રિકાને જીતવા માટે 16 રનની જરૂર હતી. તો ડેવિડ મિલર સ્ટ્રાઈક પર હતો. તેણે પહેલા બોલ પર શાનદાર શોટ પણ રમ્યો હતો. પરંતુ સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર અકલ્પનીય કેચ લીધો હતો. મિલરે તે બોલ પર લગભગ સિક્સ ફટકારી દીધી હતી. મિલર 21 રન બનાવીને આઉટ થયો હતો.
ડેવિડ મિલરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
35 વર્ષીય ડેવિડ મિલરે 2010થી સાઉથ આફ્રિકા માટે 173 ODI અને 125 T20 મેચ રમી છે. વનડેમાં તેણે 42ની એવરેજથી 4458 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 6 સદી અને 24 અડધી સદી પણ જોવા મળી છે. જ્યારે T20માં મિલરે 140ના સ્ટ્રાઈક રેટથી 2437 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 7 અડધી સદી સામેલ છે. આ સિવાય મિલરને IPLનો પણ સારો અનુભવ છે. મિલરે 130 IPL મેચોમાં 1 સદી અને 13 અડધી સદી સાથે 2924 રન બનાવ્યા છે.






