રણજી ટ્રોફી માટે જાહેર થઈ દિલ્હીની 24 ખેલાડીઓની સ્કવોડ, આયુષ બદોની સંભાળશે ટીમની કમાન

ઘરેલું ક્રિકેટમાં 15 ઓક્ટોબરથી રણજી ટ્રોફી શરૂ થવાની છે. દિલ્હી ક્રિકેટ એસોસિએશને ઘરેલું સિઝન માટે દિલ્હીની ટીમની જાહેરાત કરી છે. આયુષ બદોનીને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, જ્યારે યુવા યશ ધુલને વાઈસ કેપ્ટન તરીકે સામેલ કરવામાં આવ્યો છે. નીતીશ રાણા દિલ્હીની ટીમમાં પાછો ફર્યો છે છે. ઉત્તર પ્રદેશ સાથે ટૂંકા ગાળાના કાર્યકાળ બાદ તેણે દિલ્હીની ટીમમાં વાપસી કરી છે.
રિષભ પંત બીજા રાઉન્ડમાં રમી શકે છે
DDCAના સચિવ અશોક શર્માએ જણાવ્યું હતું કે પસંદગીકારોએ 24 ખેલાડીઓની પસંદગી કરી હતી કારણ કે તેમને લાગ્યું હતું કે આનાથી દરેક મેચમાં પસંદગી માટે મોટો પૂલ ઉપલબ્ધ રહે છે. જ્યારે દિલ્હી ઘરેલુ મેચ રમશે, ત્યારે તેઓ આ સંખ્યા ઘટાડીને 15 કરશે. નીતીશ રાણાની વાપસી અંગે શર્માએ કહ્યું કે તે એક અનુભવી ખેલાડી છે અને સિલેક્ટર્સ તેની કસોટી કરવા માંગતા હતા. તેમણે આગળ કહ્યું, "અમને અપેક્ષા છે કે રિષભ પંત આગામી મેચમાં રમશે. તે બીજા રાઉન્ડમાં પરત ફરી શકે છે."
નીતિશ પાસે અનુભવ છે
નીતીશ રાણા પાસે અનુભવનો ભંડાર છે, જે દિલ્હી ટીમ માટે ઉપયોગી થઈ શકે છે. તેણે અત્યાર સુધીમાં 54 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં કુલ 2954 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે 78 લિસ્ટ A મેચોમાં 2281 રન બનાવ્યા છે, જેમાં 3 સદીનો સમાવેશ થાય છે.
રિષભ પંત ઈજાને કારણે ભારતીય ટીમની બહાર છે
રિષભ પંત ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે, તેને એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં સામેલ નહતો કરવામાં આવ્યો. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ પસંદ નથી કરવામાં આવ્યો. તેથી, તે પોતાની ફિટનેસ સાબિત કરવા માટે ઓછામાં ઓછી એક રણજી ટ્રોફી મેચ રમી શકે છે.
રણજી ટ્રોફી માટે દિલ્હીની ટીમ
આયુષ બદોની (કેપ્ટન), યશ ધૂલ (વાઈસ-કેપ્ટન), અર્પિત રાણા, સનત સાંગવાન, અનુજ રાવત (વિકેટકીપર), સુમિત માથુર, શિવમ શર્મા, રૌનક વાઘેલા, નવદીપ સૈની, સિમરજીત સિંહ, મણિ ગ્રેવાલ, સિદ્ધાંત શર્મા, ધ્રુવ કૌશિક, પ્રણવ રાજવંશી (વિકેટકીપર), નીતિશ રાણા, હિંમત સિંહ, આયુષ દોસેજા, રાહુલ ડાગર, રિતિક શોકીન, પ્રિયાંશ આર્ય, તેજસ્વી (વિકેટકીપર), વૈભવ કાંડપાલ, રોહન રાણા, આર્યન રાણા (ફિટનેસને આધીન).

