IND vs NZ / ડેરિલ મિચેલે તોડ્યો ક્રિસ ગેલ અને રિકી પોન્ટિંગનો રેકોર્ડ, ભારતીય ધરતી પર કર્યું કારનામું

ભારત સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિચેલનું હંમેશની જેમ આ વખતે પણ ચાલ્યું છે. ડેરિલ મિચેલે ફરી એકવાર ભારત સામે ભારતીય ધરતી પર ODI ક્રિકેટમાં સદી ફટકારી છે. ભારત સામે ભારતીય ધરતી પર ODIમાં આ તેની ચોથી સદી છે. આ સાથે ડેરિલ મિચેલે ક્રિસ ગેલ અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો છે.
ડેરિલ મિચેલ ભારતીય ધરતી પર ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. 18 જાન્યુઆરી, રવિવારના રોજ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ODIમાં ડેરિલ મિચેલે ભારતીય ધરતી પર ભારત સામે તેની ચોથી સદી ફટકારી છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે ભારતમાં ODI ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ સદી ફટકારી છે, તેના નામે પાંચ સદી છે.
ડેરિલ મિચેલે પાકિસ્તાનના સલમાન બટ, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગ, વેસ્ટ ઈન્ડિઝના માર્નસ સેમ્યુઅલ્સ અને સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધા છે. આ બધા બેટ્સમેનોએ ભારત સામે ભારતીય ધરતી પર 3-3 સદી ફટકારી છે. ડેરિલ મિચેલની સદી 106 બોલમાં આવી હતી, જે ODI ક્રિકેટમાં તેની નવમી સદી હતી અને ભારતમાં ભારત સામે તેની ચોથી સદી હતી.
ભારતમાં ભારત સામે સૌથી વધુ સદી
- 5 - એબી ડી વિલિયર્સ
- 4 - ડેરિલ મિશેલ
- 3 - સલમાન બટ
- 3 - ક્રિસ ગેલ
- 3 - રિકી પોન્ટિંગ
- 3 - માર્લોન સેમ્યુઅલ્સ
- 3 - ક્વિન્ટન ડી કોક
ડેરિલ મિચેલ ODI સિરીઝની પહેલી મેચમાં 84 રન બનાવીને આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો. જોકે, તેણે બીજી મેચમાં 131 રન બનાવીને તેની ભરપાઈ કરી અને પછી ત્રીજી મેચમાં પણ 137 રનનો મોટી ઈનિંગ રમી. આ સાથે મિચેલ આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ સિરીઝની ત્રણ ઈનિંગ્સમાં કુલ 352 રન બનાવ્યા છે.

