VIDEO: CSKએ આયુષ મ્હાત્રેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી, મુંબઈ માટે રમી ચૂકેલા પ્લેયરને મળ્યું સ્થાન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનમાં, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ઈજાઓથી પીડાઈ રહી છે. શરૂઆતના તબક્કામાં પ્રભાવશાળી ફોર્મ દર્શાવનાર યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હેમસ્ટ્રિંગની ઇજાને કારણે હવે આખી સિઝન માટે લીગમાંથી બહાર થઈ ગયો છે. આયુષ મ્હાત્રેના બહાર થયા બાદ CSKએ તેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે, બાકીની સિઝન માટે 32 વર્ષીય બોલર આકાશ મધવાલને સાઈન કર્યો છે.
આકાશ મધવાલ મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ રમી ચૂક્યો છે
ઉત્તરાખંડનો 32 વર્ષીય ફાસ્ટ બોલર આકાશ મધવાલ અગાઉ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઈઝી માટે રમી ચૂક્યો છે. આકાશે 2023ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યુ કર્યું હતું અને 2024માં પણ તે જ ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો. આકાશ ગઈ IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો. જોકે, રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ તેને આ સિઝન માટે રિલીઝ કર્યો હતો અને ખેલાડીઓના ઓક્શનમાં તેનો સમાવેશ નહતો કરવામાં આવ્યો. આયુષ મ્હાત્રેની ઇજા બાદ તે હવે CSKમાં જોડાયો છે, જ્યાં ફ્રેન્ચાઈઝીએ તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર પસંદ કર્યો હતો.
આકાશ મધવાલનું અત્યાર સુધીનું પ્રદર્શન
આકાશ મધવાલે ત્રણ સિઝનમાં IPLમાં કુલ 17 મેચ રમી છે, જેમાં તેણે 25.65ની એવરેજથી 23 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ 10.06 છે. IPL મેચમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5 રનમાં 5 વિકેટ છે, જે તેણે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમતી વખતે એલિમિનેટર મેચમાં હાંસલ કર્યું હતું.

