T20 વર્લ્ડ કપ પર સંકટના વાદળ: બાંગ્લાદેશે ફરી ICC પાસે કરી આજીજી, શું ભારતમાંથી મેચો શિફ્ટ થશે?

T20 વર્લ્ડ કપ 2026ને લઈને ચાલી રહેલો વિવાદ કોઈપણ કાળે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. બાંગ્લાદેશે હવે ICCને વધુ એક પત્ર લખ્યો છે. બાંગ્લાદેશ પોતાની ટીમને ભારત મોકલવાનો પહેલેથી જ ઈનકાર કરી ચૂક્યું છે.
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ સંબંધોમાં તણાવ વધુ ઘેરો બન્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ 8 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને બીજો ઔપચારિક પત્ર મોકલીને ભારતમાં પોતાના ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને ફરી એકવાર T20 વર્લ્ડ કપની મેચોના વેન્યુ (સ્થળ)ને ભારતથી હટાવીને શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ દોહરાવી છે. T20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. બાંગ્લાદેશે ટુર્નામેન્ટમાં ચાર મેચ રમવાની છે, જેમાંથી ત્રણ મેચ કોલકાતામાં અને એક મેચ મુંબઈમાં પ્રસ્તાવિત છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં બાંગ્લાદેશે ભારત પ્રવાસનો ઈનકાર કરી દીધો છે.
મુસ્તાફિઝુર રહેમાન બન્યો વિવાદનું મૂળ
ભારત અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચેના આ તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને BCCIના નિર્દેશ પર IPLમાંથી રિલીઝ કરવામાં આવ્યો. BCCI એ આ નિર્ણય પાછળ ચારેબાજુ બની રહેલી ઘટનાઓનો હવાલો આપ્યો હતો, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નહોતું. ત્યારથી BCBનું વલણ વધુ કડક બન્યું છે. BCB સાથે જોડાયેલા એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, બાંગ્લાદેશના રમત મંત્રાલયના સલાહકાર આસિફ નઝરુલ સાથેની ચર્ચા બાદ BCB એ ICCને ફરીથી પત્ર મોકલ્યો છે. ICCએ સુરક્ષા સંબંધિત આશંકાઓની વિગતો માંગી હતી, જે BCB એ શેર કરી છે. જોકે, તેમણે તે પત્રમાં શું લખ્યું છે તેનો ખુલાસો કર્યો નથી.
BCBની અંદર પણ મતભેદ
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુદ્દે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની અંદર પણ મતભેદો છે. એક જૂથ જ્યાં આસિફ નઝરુલના કડક વલણનું સમર્થન કરી રહ્યું છે, ત્યારે બીજું જૂથ ઈચ્છે છે કે ICC અને ભારતીય અધિકારીઓ સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવામાં આવે. આ જૂથનું માનવું છે કે જો ભારતમાં બાંગ્લાદેશની ટીમ માટે વધુ સારી, મજબૂત અને સંપૂર્ણ સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તો ઉકેલ લાવી શકાય છે.
ICCનું વલણ હજુ સ્પષ્ટ નથી
ICC તરફથી હાલમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી અને એવા કોઈ સંકેત પણ મળ્યા નથી કે કોલકાતા અને મુંબઈની મેચોને કોલંબો શિફ્ટ કરવામાં આવશે. જોકે, BCBનો દાવો છે કે ICC એ સુરક્ષાની ચિંતાઓના મૂલ્યાંકનમાં સહકાર આપવાની ઈચ્છા ચોક્કસપણે વ્યક્ત કરી છે. હવે સૌની નજર ICCના આગામી પગલા પર ટકેલી છે, જે આ સંવેદનશીલ મુદ્દે મોટો નિર્ણય લઈ શકે છે.

