'જ્યારે હું ભારતીય ટીમ...' ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિ પર તોડ્યું મૌન, જણાવ્યું ક્યારે બનાવી હતી યોજના

ચેતેશ્વર પુજારાએ ખુલાસો કર્યો કે તેણે 24 ઓગસ્ટ, રવિવારના રોજ નિવૃત્તિ લેતા પહેલા લગભગ એક અઠવાડિયા સુધી નિવૃત્તિ વિશે વિચાર્યું હતું. 103 ટેસ્ટમાં 43.60ની એવરેજથી 7,195 રન બનાવનારા પુજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું છે. પુજારા ભારત માટે છેલ્લે 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન રમ્યો હતો.
ત્યારથી આ બેટ્સમેન ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે અને ગઈ સિઝનમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે સાત મેચમાં 402 રન બનાવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા પુજારાએ કહ્યું કે તેણે પહેલાં આ વિશે નહતું વિચાર્યું અને તાજેતરમાં જ આ નિર્ણય લીધો હતો. પુજારાએ કહ્યું કે તેની કારકિર્દીનો અંત લાવવો એ તેના માટે ગર્વની ક્ષણ છે અને ભારત માટે રમવું તેના માટે બાળપણનું સ્વપ્ન હતું.
એક અઠવાડિયાથી બનાવી રહ્યો હતો યોજના
પુજારાએ કહ્યું, "મેં પહેલા આ વિશે વધુ નહતું વિચાર્યું. લગભગ એક અઠવાડિયા સુધી, મને લાગ્યું કે આ યોગ્ય સમય છે. તો આજે જ્યારે મેં આ નિર્ણય લીધો છે, ત્યારે તે મારા અને મારા સમગ્ર પરિવાર માટે ગર્વની ક્ષણ છે. આ દિવસે હું મારા બધા સાથી ખેલાડીઓ, મારા કોચ અને બધા સપોર્ટ સ્ટાફનો આભાર માનવા માંગુ છું જેમની સાથે મેં કામ કર્યું છે."
યુવા ખેલાડીઓને તક મળશે
પુજારાએ વધુમાં કહ્યું, "આ મારો વ્યક્તિગત નિર્ણય હતો અને મેં નક્કી કર્યું કે આ યોગ્ય સમય છે, ખાસ કરીને જ્યારે યુવા ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં તક મળવી જોઈએ. પહેલા મેં વિચાર્યું હતું કે કદાચ હું આ રણજી સિઝનમાં રમીશ, પરંતુ પછી મેં વિચાર્યું કે જો યુવા ખેલાડીઓને તક મળશે, તો તેઓ ઝડપથી તૈયાર થઈ જશે. હું છેલ્લા કેટલાક વર્ષો, જ્યારે હું ભારતીય ટીમનો ભાગ નહતો તેના વિશે વધુ નથી કહેવા માંગતો."
પુજારાએ ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં આઠમા નંબર પર રહીને પોતાની કારકિર્દીનો અંત લાવ્યો છે. પુજારાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખીને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના નિર્ણય પછી, અનુભવી ખેલાડીઓએ તેને ભાવનાત્મક વિદાય અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે.

