મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચેન્નાઈમાં સદી બાદ રિષભ પંતને લઈને આવ્યા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સે IPL ઓક્શન પહેલા લીધો આ નિર્ણય

ટેસ્ટ ક્રિકેટમાં સદી સાથે વાપસી કરનાર ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને લઈને હવે એક મોટા સમાચાર

ચેન્નાઈમાં સદી બાદ રિષભ પંતને લઈને આવ્યા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સે IPL ઓક્શન પહેલા લીધો આ નિર્ણય

ટેસ્ટ ક્રિકેટમાં સદી સાથે વાપસી કરનાર ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને લઈને હવે એક મોટા સમાચાર આવ્યા છે. આ સમાચાર IPLમાં તેના ભવિષ્ય વિશે છે, તે હાલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. જો કે, છેલ્લી સિઝન બાદ તેના ફ્રેન્ચાઈઝી સાથે રહેવા અંગે સતત અટકળો અને અફવાઓ ચાલી રહી હતી, પરંતુ હવે તેનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સે આગામી સિઝન માટે પણ પંતને ટીમમાં રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. આટલું જ નહીં IPLમાં પંતનો પગાર પણ વધવાની શક્યતા છે. આ સમાચાર એ જ દિવસે આવ્યા જ્યારે પંતે બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી.

પંત નંબર-1 રીટેન્શન

એક અહેવાલમાં જણાવ્યું છે કે, GMR સ્પોર્ટ્સ અને JSW સ્પોર્ટ્સની માલિકીની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે પંતને ટીમના ભાગ તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાછલી મેગા ઓક્શનની જેમ, ફ્રેન્ચાઈઝી રિષભ પંતને જ નંબર-1 રીટેન્શન રાખવા માંગે છે, જેને સૌથી વધુ પગાર મળે છે. આ સમાચાર સાથે, પંત આગામી સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડી દેશે તેવી અટકળોનો અંત આવ્યો છે. થોડા અઠવાડિયા પહેલા, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંત આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે અને દિલ્હી રોહિત શર્માને નવા કેપ્ટન તરીકે ખરીદી શકે છે.

રિપોર્ટ અનુસાર, પંત થોડા દિવસો પહેલા દિલ્હી કેપિટલ્સના કો-ઓનર અને JSW સ્પોર્ટ્સના માલિક પાર્થ જિંદાલને મળ્યો હતો, જે ઘણીવાર ટીમની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળે છે. આ મીટિંગમાં જિંદાલે પંતને પોતાની અને ફ્રેન્ચાઈઝીની ઈચ્છાઓ વિશે જણાવ્યું અને અહીં બંને આ નિર્ણય પર સહમત થયા. પંતે 2016માં દિલ્હી કેપિટલ્સ માટે IPLની શરૂઆત કરી હતી અને ત્યારથી તે ફ્રેન્ચાઈઝીનો એક ભાગ છે. 2021માં શ્રેયસ ઐયરની ઈજા બાદ તેને ટીમની કમાન સોંપવામાં આવી હતી અને ત્યારથી તે કેપ્ટન છે. માર્ગ અકસ્માતને કારણે તે 2023ની સિઝનમાં રમી શક્યો નહોતો પરંતુ તેણે 2024માં IPLમાં કમબેક કર્યું હતું અને તે દિલ્હીનો કેપ્ટન પણ હતો.

આગામી સિઝનમાં પગાર વધશે?

આગામી સિઝનથી પંતનો પગાર પણ વધવાની આશા છે. પંતને હાલમાં સિઝન દીઠ 16 કરોડ રૂપિયા મળે છે, જે વધી શકે છે. આનું કારણ એ છે કે BCCI આગામી સિઝન માટે મેગા ઓક્શનમાં ઓક્શન પર્સ એટલે કે ફ્રેન્ચાઈઝીસની ખર્ચ મર્યાદા વર્તમાન 95 કરોડ રૂપિયાથી વધારી શકે છે. તેનાથી ખેલાડીઓની રીટેન્શન ફી પર પણ અસર થશે. જોકે, BCCIએ હજુ સુધી નવી સિઝન માટે રીટેન્શનના નિયમો જાહેર નથી કર્યા. આમાં હજુ થોડો સમય લાગશે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે રીટેન્શનની સંખ્યા અને ઓક્શન પર્સમાં વધારો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો