VIDEO: શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, પ્રથમ મેચમાંથી બહાર થયો વોશિંગ્ટન સુંદર
ભારતીય ટીમ ઓગસ્ટમાં બે મેચની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા ખેલાડીઓની ઈજાઓથી પીડાઈ રહી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ નહીં રમી શકે, જ્યારે નીતિશ કુમાર રેડ્ડી અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનું પણ ઈજાના કારણે રમવું મુશ્કેલ લાગે છે.
BCCI સૂત્રએ સુંદર અને બુમરાહ અંગે મોટું અપડેટ અપડેટ આપ્યું
BCCI સૂત્રએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન સંપૂર્ણ ફિટનેસ મેળવ્યા પછી જ બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. સુંદરને આ મહિનાની શરૂઆતમાં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પગમાં ઈજા થઈ હતી. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના અગ્રણી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, 30 જુલાઈ સુધી આરામ કરશે અને ત્યારબાદ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરશે. ટોપ-ઓર્ડર બેટ્સમેન સાઈ સુદર્શનની ઉપલબ્ધતા પણ તેની ફિટનેસ પર આધાર રાખે છે, પરંતુ લેફટી બેટ્સમેનના ટૂંક સમયમાં સ્વસ્થ થવાની અપેક્ષા છે.
રવિન્દ્ર જાડેજાને ટેસ્ટ સિરીઝમાં તક મળી શકે છે
વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે બહાર થઈ ગયો હોવાથી રવિન્દ્ર જાડેજાને હવે ફિંગર સ્પિનર તરીકે તક મળવી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં પહોંચવા માટે ભારતે શ્રીલંકા સામેની આ ટેસ્ટ સિરીઝ કોઈપણ કિંમતે જીતવી પડશે. ટીમની બેટિંગની વાત કરીએ તો, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરે તે નિશ્ચિત છે. જો સાઈ સુદર્શન સંપૂર્ણપણે ફિટ થશે, તો તે ત્રીજા નંબર પર બેટિંગ કરશે. જો તે ફિટ નહીં થાય, તો તેના સ્થાને દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. કેપ્ટન શુભમન ગિલ ચોથા નંબર પર બેટિંગ કરશે અને વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પાંચમા નંબર પર બેટિંગ કરશે.
WTC પોઈન્ટ્સ ટેબલમાં ટીમ ઈન્ડિયા ક્યાં સ્થાન પર છે?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ્સ ટેબલ વિશે વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા હાલમાં પાંચમા ક્રમે છે. ભારતે આ ચક્રમાં અત્યાર સુધીમાં નવ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ચાર જીતી છે અને ચાર હારી છે. 48.15 ના જીત ટકાવારી સાથે, ભારતીય ટીમ હાલમાં પાંચમા ક્રમે છે. પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે, ન્યુઝીલેન્ડ ત્રીજા ક્રમે અને બાંગ્લાદેશ ચોથા ક્રમે છે.

