VIDEO: ભારતે ઈંગ્લેન્ડ પાસેથી છીનવાયો તાજ, ઝિમ્બાબ્વે સામે સિરીઝ જીતીને પાછુ મેળવ્યું નંબર-1નું સ્થાન
ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે 3 મેચોની T20 સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. શનિવારે હરારેમાં રમાયેલી બીજી મેચમાં ભારતે 90 રનથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ ભારતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની T20 ટીમ રેન્કિંગમાં ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીને નંબર 1 નું સ્થાન મેળવી લીધું છે. ભારતે ઈંગ્લેન્ડને પાછળ છોડીને આ તાજ પાછો મેળવ્યો છે.
ઈંગ્લેન્ડ પાસેથી છીનવાયો તાજ
25 જુલાઈના રોજ અપડેટ થયેલા રેન્કિંગ મુજબ, ભારત અને ઈંગ્લેન્ડ બંનેના 268 રેટિંગ પોઈન્ટ છે, પરંતુ ભારતીય ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે અને ઈંગ્લેન્ડ બીજા સ્થાને ખસી ગયું છે. ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈએ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતે પોતાનું નંબર 1નું સ્થાન ગુમાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ કયા ક્રમે?
ICCની હાલની T20 ટીમ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 260 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ 247 પોઈન્ટ સાથે ચોથા ક્રમે, સાઉથ આફ્રિકા 244 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે અને પાકિસ્તાન 244 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. યજમાન ઝિમ્બાબ્વે 202 પોઈન્ટ સાથે બારમા સ્થાને છે. જો રવિવારે રમાનારી ત્રીજી અને અંતિમ મેચમાં ભારત જીતશે તો ટોચ પર તેની પકડ વધુ મજબૂત થશે. નોંધનીય છે કે ભારત ODI રેન્કિંગમાં પણ ટોચપ પર છે, જ્યારે ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા નંબર 1 અને ભારત ચોથા સ્થાને છે.
કેવી રહી બીજી T20 મેચ?
ઈશાન કિશન (81 રન) અને તિલક વર્મા (અણનમ 60 રન) ની તોફાની ઈનિંગ્સના જોરે ભારતે 20 ઓવરમાં 219/5 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ ઈશાને 44 બોલનો સામનો કરીને 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 25 રન, વૈભવ સૂર્યવંશીએ 20 અને અભિષેક શર્માએ 9 રન બનાવ્યા હતા.
જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 17.5 ઓવરમાં 129 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે માટે બ્રાયન બેનેટે 32 અને તાદિવાનાશે મારુમાનીએ 24 રન બનાવ્યા હતા. ભારત તરફથી અભિષેકે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે યશ ઠાકુર અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

