જૂનમાં ભારતે રશિયન ક્રૂડની કરી રેકોર્ડ આયાત, અમેરિકાને આપ્યો મોટો ઝટકો

ભારતે ચાલુ વર્ષે જૂન 2026માં રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની આયાત કરી છે. જે તેના અગાઉના મહિના એટલે કે મે કરતાં 34% વધુ છે. જોકે, આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં નરમાઈ આવવાને કારણે રશિયાની નિકાસની કમાણીમાં થોડો ઘટાડો નોંધાયો છે. 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' (CREA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલમાં આ વિગતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, જૂન મહિનામાં ભારતે રશિયા પાસેથી 4.5 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. જે રશિયા પાસેથી ભારતના કુલ 5.5 અબજ યુરોની ઇંધણ આયાતના 83% જેટલું થાય છે. આ ખરીદી સાથે ભારત, ચીન પછી રશિયા પાસેથી હાઇડ્રોકાર્બન ખરીદનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે.
ભારતીય રિફાઇનરીઓમાં રશિયન તેલની ધૂમ આવક
જૂન મહિનામાં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં માસિક ધોરણે 5.4% નો વધારો થયો છે. આ દરમિયાન દેશની મુખ્ય રિફાઇનરીઓમાં રશિયન તેલનો સપ્લાય નોંધપાત્ર રીતે વધ્યો હતો. આંકડાઓ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરી મે મહિનાની સરખામણીએ રશિયન તેલની સપ્લાયમાં 150% નો જંગી વધારો થયો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની પારાદીપ રિફાઇનરી સપ્લાયમાં 126%નો વધારો, ભારત પેટ્રોલિયમ (BPCL)ની કોચ્ચિ રિફાઇનરી, આયાતમાં 83% નો વધારો અને નાયરા એનર્જીની વાડિનાર રિફાઇનરી સપ્લાયમાં 45%નો વધારો નોંધાયો છે.
રશિયાના ક્રૂડ ઇમ્પોર્ટમાં 14 ટકાનો વધારો
રિપોર્ટ અનુસાર, ભારતે ખરીદેલા કુલ 5.5 અબજ યુરોની ઇંધણ પ્રોડક્ટ્સમાં 4.5 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ, 48.8 કરોડ યુરોના પેટ્રોલિયમ ઉત્પાદનો અને 44.4 કરોડ યુરોનો કોલસો સામેલ હતો. ભારતની આ વ્યાપક ખરીદીને કારણે જૂનમાં રશિયાના કુલ ક્રૂડ એક્સપોર્ટ વોલ્યુમમાં 14% નો વધારો થયો હતો, તેમ છતાં વૈશ્વિક મંદીને કારણે રશિયાની દૈનિક તેલ આવક 8% ઘટીને 34.8 કરોડ યુરો થઈ ગઈ હતી.
વૈશ્વિક બિઝનેસમાં ભારતનો મોટો રોલ અને યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ
ભારત માત્ર રશિયન તેલ ખરીદી જ નથી રહ્યો, પરંતુ તેમાંથી તૈયાર થતા રિફાઇન્ડ ફ્યુઅલના વૈશ્વિક બિઝનેસમાં પણ કિંગમેકરની ભૂમિકા ભજવી રહ્યો છે. જૂનમાં ભારત, તુર્કીયે, બ્રુનેઇ અને જ્યોર્જિયાની રિફાઇનરીઓએ રશિયા પર પ્રતિબંધ મૂકનારા દેશો (યુરોપિયન યુનિયન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા)ને 81.4 કરોડ યુરોની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ નિકાસ કરી હતી. જેમાંથી 36.9 કરોડ યુરોની પ્રોડક્ટ્સ રશિયન ક્રૂડમાંથી બનેલી હતી.
ઇયુના કડક પ્રતિબંધો
યુરોપિયન યુનિયન (EU)ના કડક પ્રતિબંધો હોવા છતાં, જૂન મહિનામાં ભારતીય રિફાઇનરીઓમાંથી મોકલાયેલા રશિયન ક્રૂડના બે કન્સાઇનમેન્ટ યુરોપિયન બંદરો પર ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બ્રિટન (UK) સરકારે ખાસ જોગવાઈ હેઠળ જામનગર રિફાઇનરીમાંથી રશિયન કાચા તેલમાંથી તૈયાર કરાયેલા જેટ ઇંધણ (એવિએશન ફ્યુઅલ) નો પ્રથમ જથ્થો સ્વીકાર્યો હતો. આ વૈશ્વિક બજારમાં ચીન 7.3 અબજ યુરોની ખરીદી સાથે રશિયાનું સૌથી મોટું ગ્રાહક રહ્યું છે.

