BCCIએ અચાનક લીધો મોટો નિર્ણય, આ મોટી ટૂર્નામેન્ટમાંથી હટાવ્યો ઈમ્પેક્ટ પ્લેયર નિયમ
IPLની છેલ્લી સિઝન દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઘણો વિવાદોમાં રહ્યો હતો. ઘણા મ

IPLની છેલ્લી સિઝન દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઘણો વિવાદોમાં રહ્યો હતો. ઘણા મોટા ખેલાડીઓએ આ નિયમ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ નિયમ અંગે મોટો નિર્ણય લીધો છે. BCCIએ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાંથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હટાવવાનો નિર્ણય લીધો છે. આ એ જ ટૂર્નામેન્ટ છે જ્યાંથી ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ શરૂઆત કરવામાં આવી હતી.
BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હટાવ્યો
BCCIએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હટાવી દીધો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 23 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને 15 ડિસેમ્બર સુધી રમાશે. BCCIએ રાજ્ય એસોસિએશનને એક સંદેશ દ્વારા ઈમ્પેક્ટ પ્લેયર નિયમ અંગેના નિર્ણયની પુષ્ટિ કરી છે. BCCIએ કહ્યું, 'કૃપા કરીને નોંધ કરો કે BCCIએ વર્તમાન સિઝન માટે ઈમ્પેક્ટ પ્લેયરની જોગવાઈને દૂર કરવાનો નિર્ણય લીધો છે.'
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી થઈ હતી આ નિયમની શરૂઆત
ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ સૌપ્રથમ મુશ્તાક અલી ટ્રોફીમાં કરવામાં આવ્યો હતો. આ પછી તેની એન્ટ્રી IPL 2023માં કરવામાં આવી હતી. આ નિયમ હેઠળ, મેચ દરમિયાન, પ્લેઇંગ-11માંથી કોઈપણ એક ખેલાડીને બહાર કરી શકાય છે અને તેની જગ્યાએ નવા ખેલાડીનો સમાવેશ કરી શકાય છે. એટલે કે એક ટીમ 12 ખેલાડીઓનો ઉપયોગ કરી શકે છે. ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ મુજબ, ટોસ પછી બંને ટીમોએ તેમની પ્લેઇંગ ઇલેવન સિવાય ઇમ્પેક્ટ પ્લેયરના નામ આપવાના હોય છે, જેમાંથી એકનો તેઓ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવા માગે છે. આ ખેલાડી મેચમાં કોઈપણ સમયે કોઈપણ ખેલાડીની જગ્યાએ પ્લેઈંગ 11માં જોડાઈ શકે છે.
રોહિત શર્માએ કરી હતી ટીકા
આ નિયમના કારણે IPLની છેલ્લી સિઝનમાં 250થી વધુ રનના ઘણા સ્કોર બન્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓએ આ નિયમની ટીકા કરી હતી. રોહિત શર્માએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, આનાથી ઓલરાઉન્ડરોની ભૂમિકા ઓછી થાય છે, જે આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમની તૈયારીને અસર કરે છે.






