રિષભ પંતના ઈજાગ્રસ્ત થયા બાદ હવે BCCI એ લીધો મોટો નિર્ણય, લાગુ કર્યો નવો નિયમ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ઘરેલુ સિઝન માટે એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમમાં, ટીમોને મેદાન દરમિયાન ગંભીર ઈજા થવા પર પ્લેઈંગ ઈલેવનમાં ખેલાડીને બદલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઈંજરી રિપ્લેસમેન્ટ તરીકે લાગુ કરાયેલા નવા નિયમમાં, જો કોઈ ખેલાડીને બદલવામાં આવે છે, તો તે ખેલાડી તે મેચમાં આગળ ભાગ નહીં લઈ શકે. આ નિયમ મલ્ટી-ડે મેચોમાં લાગુ કરવામાં આવશે.
આ કારણે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો
ટીમ ઈન્ડિયા તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કર્યા પછી દેશ પરત ફરી છે જેમાં તે 5 મેચની ટેસ્ટ સિરીઝ 2-2 થી ડ્રો કરવામાં સફળ રહી હતી. આ સિરીઝની ચોથી મેચ દરમિયાન, ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તે મેચમાં વિકેટકીપિંગ નહતો કરી શક્યો. આ કારણે, ગંભીર ઈજાના કિસ્સામાં મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં ખેલાડીને બદલવા માટે નિયમની માંગ કરવામાં આવી હતી. હાલમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ટીમને ફક્ત કન્કશનના કિસ્સામાં જ ખેલાડીને બદલવાની મંજૂરી છે. હવે BCCI એ ડોમેસ્ટિક ક્રિકેટમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
BCCI એ વર્કશોપમાં અમ્પાયર્સને માહિતી આપી
અમદાવાદમાં, BCCI એ અમ્પાયર્સની વર્કશોપમાં ઈંજરી રિપ્લેસમેન્ટના નિયમ વિશે માહિતી આપી હતી. જેમાં, એક અહેવાલ મુજબ, BCCI દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ નિયમ ફક્ત મલ્ટી-ડે મેચોમાં જ લાગુ પડશે. આમાં, મેચ દરમિયાન કોઈપણ ખેલાડીને બદલવાનો નિર્ણય ઓનફિલ્ડ અમ્પાયર અને મેચ રેફરી પાસેથી મંજૂરી મેળવ્યા પછી જ લઈ શકાય છે. આમાં, કોઈ ખેલાડી બોલ લાગવાથી, ફ્રેક્ચર અને ડિસલોકેશનથી ઘાયલ થયો હોય અને ઈજા એવી હોય છે કે તે મેચમાં વધુ ભાગ ન લઈ શકતો હોય તો તેના બદલે બીજા ખેલાડીને સામેલ કરી શકાશે. ટોસ સમયે, બંને ટીમોના કેપ્ટનોએ રિપ્લેસમેન્ટ ખેલાડીઓની યાદી આપવી પડશે જેથી ફક્ત સમાન ભૂમિકાઓ ધરાવતા ખેલાડીઓને જ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે.

