US Open 2025 / આર્યના સબાલેંકાએ જીત્યો વિમેન્સ સિંગલ્સનો ખિતાબ, ફાઈનલમાં અમેરિકન ખેલાડીને હરાવી

US Open 2025માં વિમેન્સ સિંગલ્સની ફાઈનલ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્યના સબાલેંકાએ અમેરિકન ખેલાડી અમાંડા અનિસિમોવા સામે મુકાબલો કર્યો. બંને ખેલાડીઓએ ફાઈનલ સુધીની સફરમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ટાઈટલ મેચ રોમાંચક થવાની અપેક્ષા હતી. 27 વર્ષીય બેલારુસિયન ખેલાડી અને વર્તમાન વિશ્વ નંબર-1 આર્યના સબાલેંકાએ આવું કંઈ ન થવા દીધું અને તેણે ફક્ત 2 સેટમાં ફાઈનલ મેચ પૂર્ણ કરીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું.
બીજા સેટમાં પડકાર પણ ટાઈ બ્રેકરમાં મળી જીત
આર્યના સબાલેંકા અને અમાંડા અનિસિમોવા વચ્ચેની ફાઈનલ મેચ વિશે વાત કરીએ તો, સબાલેંકાએ આર્થર એશ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચનો પહેલો સેટ 6-3થી એકતરફી રીતે જીત્યો અને 1-0ની લીડ મેળવી. આ પછી, બીજા સેટમાં સબાલેંકા અને અનિસિમોવા વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, ત્યારબાદ મેચ ટાઈ બ્રેકર સુધી પહોંચી. ત્યારબાદ સબાલેન્કાએ 7-3ના માર્જિનથી જીત મેળવી અને ફાઈનલ મેચ 6-3, 7-6 (7/3) થી જીતીને ટાઈટલ જીત્યું. સબાલેંકાએ આ સાથે તેના કરિયરનું ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું.
છેલ્લી વખત પેગુલાને હરાવી હતી
વિશ્વની નંબર-1 વિમેન ટેનિસ ખેલાડી આર્યના સબાલેંકાએ છેલ્લી વખત યુએસ ઓપનની ફાઈનલ મેચમાં અમેરિકન ખેલાડી જેસિકા પેગુલાને હરાવી હતી. સબાલેંકા આ વર્ષે ત્રીજી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ મેચમાં પહોંચી હતી, જેમાંથી તેણે છેલ્લી 2 વખત હારનો સામનો કરવો પડ્યો હતો. અનિસિમોવા સામે તેનો રેકોર્ડ પણ ખૂબ સારો નહતો, પરંતુ ફાઈનલ મેચમાં સબાલેંકાએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું. સબાલેંકા સેરેના વિલિયમ્સ પછી 2012-14 પછી સતત બે વાર યુએસ ઓપન ટાઈટલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી છે.

