ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે થઈ ભારતીય ટીમની જાહેરાત, શ્રેયસ અય્યરને સોપવામાં આવી કમાન

અજીત અગરકરની આગેવાની હેઠળની સિનિયર સિલેકશન કમિટીએ ફરી એકવાર ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ વખતે ઓસ્ટ્રેલિયા-A સામે રમાનારી સિરીઝ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી છે. કમિટીએ એશિયા કપ દરમિયાન અવગણવામાં આવેલા શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપી છે. બંને ટીમો વચ્ચે 2 મલ્ટી-ડે મેચની સિરીઝ રમાશે.
આ બંને મેચ લખનૌમાં રમાશે. પહેલી મેચ 16 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. બીજી મેચ 23 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ સિરીઝ પછી, ODI મેચોની સિરીઝ હશે અને આ માટેની ટીમ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી. આ ત્રણ મેચ 30 સપ્ટેમ્બર, 3 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરના રોજ રમાશે.
જુરેલ વાઈસ કપ્તાન બન્યો
UAEમાં રમાનારી એશિયા કપ માટે અય્યરને ટીમ ઈન્ડિયામાં નહતું સ્થાન મળ્યું. આ માટે પસંદગી સમિતિની ભારે ટીકા થઈ હતી. જોકે, તે જ સમયે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI અય્યરને ODI ટીમના આગામી કેપ્ટન તરીકે જોઈ રહ્યું છે અને તેને આ માટે તૈયાર કરવા માંગે છે. કદાચ ઈન્ડિયા-Aની કેપ્ટનશિપ આપવી એ આ ક્રમમાં લેવામાં આવેલું એક પગલું છે.
વિકેટકીપર ધ્રુવ જુરેલને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે અને તેને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. દુલીપ ટ્રોફીમાં જોરદાર બેટિંગ કરનાર એન જગદીસનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ રહેલા નીતિશ કુમાર રેડ્ડી અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.
કેએલ રાહુલ-સિરાજ પણ જોડાશે
ટીમ ઈન્ડિયાના સિનિયર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, જે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતની જીતના હીરો હતા, તેમને પણ ઈન્ડિયા-A સાથે રમવાની તક મળશે. જોકે, તે બંને પહેલી મેચમાં નહીં રમે, તેઓ બીજી મેચમાં ટીમમાં જોડાશે.
ઓસ્ટ્રેલિયા A સામેની સિરીઝ માટે ઈન્ડિયા-A ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, એન જગદીશન (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, હર્ષ દુબે, આયુષ બદોની, નીતિશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહેમદ, માનવ સુથાર, યશ ઠાકુર.

