ભારત સામેની ODI અને T20 સિરીઝમાંથી બહાર થયો પેટ કમિન્સ, ફરી એકવાર થઈ 14 પહેલા થયેલી ઈજા

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ ભારત સામેની ODI અને T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ સિરીઝ આ વર્ષે ઓક્ટોબરમાં રમાશે, જેના માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જોકે, વ્હાઈટ બોલ સિરીઝમાં ભારતીય ટીમની યજમાની કરતા પહેલા ઓસ્ટ્રેલિયા માટે સમાચાર સારા નથી. પેટ કમિન્સ ફરી એકવાર 14 વર્ષ જૂની ઈજાથી પીડાઈ રહ્યા છે. આ ઈજા લોઅર બેક સ્ટ્રેસ ફ્રેક્ચર સાથે સંબંધિત છે, જે તેને પહેલીવાર માર્ચ 2011માં થયું હતું.
પેટ કમિન્સ ભારત સામેની સિરીઝમાંથી બહાર
પેટ કમિન્સને માત્ર ભારત સામેની વ્હાઈટ બોલ સિરીઝ માટે જ નહીં પરંતુ તે પહેલા ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે પણ ટીમમાં પસંદ નથી કરવામાં આવ્યો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની એશિઝ સિરીઝને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટનને ભારત અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. કમિન્સ હાલમાં રીહેબમાંથી પસાર થશે જેથી તે એશિઝ સિરીઝ માટે ફિટ થઈ શકે.
એશિઝની તૈયારી માટે મેદાનમાં ઉતરશે: CA
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ પેટ કમિન્સ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહ્યું છે કે તે ભારત અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર રહેશે અને એશિઝની તૈયારી માટે મેદાનમાં ઉતરશે.
જૂની છે કમિન્સની ઈજા
પેટ કમિન્સને લોઅર બેક સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હોય તેવું આ પહેલીવાર નથી. માર્ચ 2011માં શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ દરમિયાન તેને પહેલીવાર આ ઈજા થઈ હતી. તે પછી, પેટ કમિન્સને નવેમ્બર 2012, ઓગસ્ટ 2013 અને સપ્ટેમ્બર 2023માં પણ સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે.
ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ ક્યારે અને ક્યાં છે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્હાઈટ બોલ સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. પહેલા 3 મેચની ODI સિરીઝ હશે, જેની મેચ પર્થ, એડિલેડ અને સિડનીમાં 19, 23 અને 25 ઓક્ટોબરે રમાશે. તે પછી 5 મેચની T20 સિરીઝ 29 ઓક્ટોબરથી શરૂ થશે. T20 સિરીઝની પહેલી મેચ કેનબેરામાં રમાશે. બીજી મેચ 31 ઓક્ટોબરે મેલબર્નમાં, ત્રીજી મેચ 2 નવેમ્બરે હોબાર્ટમાં, ચોથી મેચ 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં, જ્યારે પાંચમી મેચ 8 નવેમ્બરે બ્રિસ્બનમાં રમાશે. ભારત પહેલા, ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામે 3 T20 સિરીઝ રમવાની છે, જે 1 ઓક્ટોબરથી શરૂ થશે.

