લગ્નના થોડા જ દિવસમાં કેમ દુઃખી થયો શિખર ધવન? સોશિયલ મીડિયા પર આપવી પડી સ્પષ્ટતા!

શિખર ધવને તાજેતરમાં જ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. તેણે 21 ફેબ્રુઆરીએ તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન શિખરના તેની ભૂતપૂર્વ પત્ની આયેશા વિશે કેટલાક ખોટા નિવેદનો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આનાથી શિખર નારાજ થયો અને તેણે હવે આ બાબતે સ્પષ્ટતા આપવી પડી છે. ધવને તેના વિશે ખોટી માહિતી ફેલાવનારાઓની ટીકા કરી.
શિખર ધવને સ્પષ્ટતા આપી
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શિખર ધવનને તેની ભૂતપૂર્વ પત્નીએ કહ્યું હતું કે તેના ફરીથી ક્યારેય લગ્ન નહીં થાય. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે શિખરે ફરીથી લગ્ન કરીને તેની ભૂતપૂર્વ પત્નીને યોગ્ય જવાબ આપ્યો હતો. આ પોસ્ટથી શિખરને દુઃખ થયું અને તેણે સ્પષ્ટતા કરી કે તેણે ક્યારેય આવી વાત નથી કહી. ધવને X પર પોસ્ટ કરતાં લખ્યું, "સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ પર મારી નજર પડી, જે મારા અંગત જીવન વિશે વાતકરે છે. મેં હંમેશા મેદાન પર અને તેની બહાર જૂની વાતોને ભૂલાવી છે.
તેણે આગળ લખ્યું, "હું સકારાત્મકતામાં માનું છું અને મારા ભૂતકાળનું સન્માન કરું છું. મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે અને મારા ફેન્સ, મિત્રો, પરિવાર, શુભેચ્છકો અને મીડિયા તરફથી મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદ માટે હું આભારી છું. હું લોકોને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા પર મારા નામનો ઉપયોગ કરીને ક્લિકબેટ અને ખોટા નિવેદનો શેર કરવાનું ટાળો. આપણે પ્રેમ અને સકારાત્મકતા ફેલાવવી જોઈએ. આભાર."
ધવને બીજી વાર લગ્ન કર્યા
શિખર ધવનના ઓક્ટોબર 2023માં આયેશાથી છૂટાછેડા થયા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન શિખર ધવન સોફી શાઈન નામની મહિલા સાથે જોવા મળ્યો હતો. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને UAEમાં મળ્યા હતા. તેઓએ મે 2025માં તેમના સંબંધને જાહેર કર્યો હતો. આ પછી શિખર અને સોફીએ 12 જાન્યુઆરી, 2026ના રોજ સગાઈ કરી અને 21 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા.

