SRH vs DC: અભિષેક શર્માનો ઝંઝાવાત, દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી કોહલીના રેકોર્ડની બરોબરી કરી

IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો રમાયો, જેમાં અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં સદી ફટકારી દીધી. તેના બેટથી 10 છગ્ગા અને 10 ચોગ્ગા નીકળ્યા હતા. અભિષેકે દિલ્હીના દરેક બોલરની જબરદસ્ત ધોલાઈ કરી. આ સાથે જ અભિષેકે T20 સદીઓના મામલે કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
25 બોલમાં ફિફ્ટી અને 47 બોલમાં સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ માટે ઇનિંગની શરૂઆત ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ કરી હતી. બંનેએ તોફાની અંદાજમાં ઇનિંગની શરૂઆત કરી. પાવરપ્લે એટલે કે 6 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 67-0 હતો. 9મી ઓવરમાં અભિષેક શર્માએ માત્ર 25 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી. પરંતુ આ જ ઓવરમાં હૈદરાબાદને પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે હેડ 37 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો. પરંતુ ત્યારબાદ અભિષેક શર્મા રોકાયો નહીં. તેણે માત્ર 47 બોલમાં જ સદી ફટકારી દીધી અને 68 બોલમાં 135 રન ફટકાર્યા હતા.
T-20માં અભિષેકે કરી કોહલીની બરાબરી
9: અભિષેક શર્મા (184 ઇનિંગ્સ)
9: વિરાટ કોહલી (403 ઇનિંગ્સ)
8: રોહિત શર્મા (454 ઇનિંગ્સ)
7: ઈશાન કિશન (227 ઇનિંગ્સ)
7: સંજુ સેમસન (319 ઇનિંગ્સ)
7: કેએલ રાહુલ (231 ઇનિંગ્સ)

