'બંને ખેલાડી T20 વર્લ્ડ કપ...', સૂર્યાકુમાર યાદવ અને શુભમન ગિલના ખરાબ ફોર્મ પર અભિષેક શર્માએ કહી મોટી વાત

ભારતીય T20 ટીમના કેપ્ટન અને વાઈસ-કેપ્ટનના ફોર્મ પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે, સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી T20I સિરીઝની પહેલી ત્રણેય મેચમાં બંને ખેલાડી સતત નિષ્ફળ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ખેલાડી તેમાં પણ ખાસ કરીને વાઈસ કેપ્ટન એટલે કે શુભમન ગિલના ટીમમાં સ્થાન પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં 12 વર્ષની ઉંમરથી શુભમન ગિલ સાથે રમી રહેલો અભિષેક શર્મા માને છે કે તે તેના ખરાબ ફોર્મને દૂર કરશે અને ભારતને T20 વર્લ્ડ કપ જીતાડશે, અભિષેકને વિશ્વાસ છે કે શુભમન આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરશે.
ફોર્મમાં રહેલા સંજુ સેમસનને બહાર રાખવાને કારણે ભારતની T20 પ્લેઈંગ ઈલેવનમાં ગિલની પસંદગી પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. ગિલ છેલ્લી 15 T20I ઈનિંગ્સમાં 137.3ના સ્ટ્રાઇક રેટથી ફક્ત 291 રન બનાવી શક્યો છે. 14 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20Iમાં પણ તેણે 28 બોલમાં માત્ર 28 રન બનાવ્યા હતા. આ પહેલા બીજી T20Iમેચમાં તે પોતાનું ખાતું પણ નહતો ખોલી શક્યો.
હવે જ્યારે શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અભિષેકે કહ્યું, "હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું, તમે વિશ્વાસ રાખો, આ બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપ અને આ સિરીઝમાં ભારત માટે મેચ જીતશે."
પોતાના બાળપણના મિત્ર ગિલ વિશે તેણે કહ્યું, "હું તેમની સાથે ઘણા લાંબા સમયથી રમી રહ્યો છું, ખાસ કરીને શુભમન સાથે, તેથી મને ખબર છે કે તે કોઈપણ ટીમ સામે અને કોઈપણ પરિસ્થિતિમાં રન બનાવી શકે છે."
તેણે વધુમાં ઉમેર્યું, "મને શરૂઆતથી જ તેના પર ઘણો વિશ્વાસ છે અને ટૂંક સમયમાં બધાને ખબર પડી જશે અને તેના પર વિશ્વાસ કરશે." ત્રીજી મેચમાં 18 બોલમાં 35 રન બનાવીને ભારતને 2-1ની લીડ અપાવનાર અભિષેકે કહ્યું કે તેણે ડિસેમ્બરના હવામાનને ધ્યાનમાં રાખીને બેટિંગ કરી હતી.
તેણે કહ્યું, "તમારે ધ્યાનમાં રાખવું પડે છે કે બોલ સ્વિંગ થઈ રહ્યો છે કે સીમ થઈ રહ્યો છે. મેં કેટલાક શોટ રમ્યા જે ફક્ત આવી વિકેટ પર જ રમી શકાય છે."

